Tuesday, August 2, 2016

હું એક ભીંત -

હું એક સીધી સપાટ ભીંત
બધાજ લપસી પડે છે
.ખરબચડી બની કોઈને ચૂભતી નથી
હા !!
છિદ્રોમાં આંસુની ખારાશ પીધી છે -
પીડા લીધી છે
ને સખત બની છું ,
ધક્કા ,મુક્કા કે લાતથી હલી જાવ એવી નથી
તાપ તડકા કે વરસાદમાં પણ અડીખમ .....
અને ...
હૂંફ અને પ્રેમ માટે
આધાર અને ટેકો,
 તો-
આબરૂ માટેતો ક્ષિતિજ બની  વીંટળાઈ જ જાવ ..
વા તડ ન બની જાવ ,માટે સતર્ક એવી હું
મને ખખડાવું પણ ખરી..કારણ મને આકાશ ગમે છે....અને બાળપણ રમે છે,
મારામાં .....
 કહું !!!!
મારા ખોળે સ્મરણોને ઉછેરું
ક્યારેક હું પણ ઇતિહાસ બની જઈશ ,
અને ઉગી નીકળશે "મારાપણું "

રેખા જોશી -

Friday, July 8, 2016

છબછબ  છબછબીયાં કરીએ સહિયર
હાલ્ય હાલ્ય હૈયેં ભરીયે સહિયર

સાંબેલાની ધારે ઘોર અંધારે
આવ્યો છે વીજની ચમકતી ધારે
ટપ ટપ ટીપાં થઈ ખરીયે સહિયર ....હાલ્ય ,


એનાં અણસારે મોરલા જો નાચે
રૂદિયાની ભાષા વાલમ જો વાંચે
એમાં ઢળકતી ઢેલને ચિતરીયે સહિયર.....હાલ્ય


રેખા જોષી -

Wednesday, July 6, 2016

મારું ભારત -


ભોળા ભેરુ સૌ સાથે વસે કહું છું તમને વાત
આવી છે ભારતની જાત ...


નાના મોટા બધાય ગામે ગામ માનવતાની છાપ ,
હળી મળીને હૈયાં સીવે પૂરે દુઃખની એવી ખાંપ
ખમીરવંતી પ્રજાની દૂર દૂર દેશે થાતી આવી વાત
આવી છે ભારતની જાત ...


સાહસ કરી સીમાએ સૈનિક ..સૌને એ પડકારે
મૂકી દે માથું ''માં ''ની સામે એકજ એવા થડકારે
મારે નહીં મટકું ને રક્ષા કાજે જાગે આખી રાત
આવી છે ભારતની જાત.....


ડાળી -પાન લીલાં લહેરે મોંઘેરું મૂળ છે એનું ખેતી
આવી આવી ચારેય દિશા ઓવારણાંએના લેતી
રંગે રૂપે નોખી નોખી ભાતીગળ છે એની ભાત
આવી છે ભારતની જાત....


રેખા જોષી -અમદાવાદ


Thursday, June 23, 2016

ગઝલ -
ચાલને જાતથી પર થશું
આભથી વેંત ઉપર થશું
ફૂલ તું વાવ સુગઁધ હું
આપણે પછી સરભર થશું
ઉગતા જો કમળ તો અમે
જળ બની આમ સરવર થશું
પાન પણ જો હવાથી હલે
થડ થઈ આજ પગભર થશું
ટોચને આંબવા જાય પગ
ભૂલશું મૂળ ભરભર થશું
રેખા જોષી -
ગઝલ


બની લે હવે લાગણી રણ
રિસાઈ ગયા આપણા જણ

હવેતો બતાવોજ કારણ
સદીઓ બની કેમ આ ક્ષણ

બહુ દુઃખ થતું હોય જ્યારે
સબંધો વિખેરાય કણ કણ

બરફ ઓગળે મિત્ર ,માણસ?
અડીખમ રહે સાથ ''હું ''પણ

સમજ તું હવે જો  આ બધું
હશે પ્રેમનું આ જ મારણ



રેખા જોષી -
ગઝલ

લગાતાર હું યોગ પાછળ મરું છું
પછી રોજ હળવી બનીને  ફરું છું

તરત વશપછી આમ ત્યાગી શકું છું
અને ચિત્તમાં ભોગ તારા ધરું છું

અરે તું મજાને ભરી લે નયનમાં
કહીને બધા સોગ ખારા હરું છું

રહી છળકપટ વગર પામું પ્રભુને
થતી  વૃદ્ધિ સંજોગ પ્યારા વરુ છું


સફરમાં ઘણી આવશે લાલચો પણ
કહું જીવવા જોગ ભારા ભરું છું



રેખા જોશી –

Saturday, June 18, 2016

એક ગઝલ

સમજણ ઈચ્છાઓનું અહી ઝારણ સમજ તું આમ જો
આશા અપેક્ષા દુઃખનું કારણ સમજ તું આમ જો

ભારે નથી જો આ હવા 'હું' જેમ, એતો જો ફરે
હળવી રહે   રાખે નહી ભારણ સમજ તું આમ જો

રૂપો અહી બદલી શકો પણ બદલશું  સ્વરૂપ ને ?
જો આજ છે અંદર બધું કારણ સમજ તું આમ જો

ભીતર જશું ને વાત કરશું જાત સાથે એજ લત
વિસ્તાર અંદર થાય એ તારણ સમજ તું આમ જો

કપટી રહીને મિત્રતા મળશે નહી આ જગતમાં
કેવું સબંધોનું હશે મારણ ?સમજ તું આમ જો

રેખા જોશી -



Tuesday, June 14, 2016

ગઝલ
હું જ તારો શ્વાસ તારૂ હાસ છું ને 
એટલે તારી જ માટે ખાસ છું ને
હું કદાચે કારતક કે માગશર છું 
એક બસ તું મિત્ર બારેમાસ છું ને
હું જ ભૂલો હું જ દોષી શું કહેવું 
તું જ કાયમ જો વફાનો દાસ છું ને
ચાલને હું કાન તું રાધા પછી જો 
તું જ પૂનમમાં રમાતો રાસ છું ને
આમ ક્યાં સુધી અહી ભટકે ફકીરી 
તું જ ગમતું, લે હવે આવાસ છું ને
રેખા જોશી -




Thursday, June 9, 2016

ગઝલમાં -ગાગા -ગાગા -ગાગા -ગાગા  નો એક પ્રયોગ

આંખોએ સપના જોયા છે
માટે બે આંસુ ખોયા છે

જો ટશરો લોહીની ફૂટી
નસનસમાં જગના ઘોયા છે

રખડી ભટકી આવી ઉભી
રસ્તાઓ જ્યાં જ્યાં રોયા છે

સૂરજ થાવું જળની માટે
સાગરના પગને ધોયા છે

આ માણસ પોતે ખંજર છે
માયામાં જેઓ મોહ્યાં છે

રેખા જોશી -

Monday, May 9, 2016

પરોઢ -

બાગમાં પૂષ્પના તોરણ બાંધે છે કોઈ
ઉગતી પરોઢને  બારણે
આ સુગંધની સવારી કોને કારણે ?

પાંદડી મહી ઝાકળને સાંધે છે કોઈ
ઉગતી પરોઢને  બારણે
આફૂલોની વાતછે ન્યારી કોને  કારણે ?

અવનીના અંધકારને પીવે છે કોઈ
ઉગતી પરોઢને  બારણે
 ઉજાસી તડકાની વાત છે પ્યારી કોને  કારણે ?

આભની લાલીને નીરખે છે કોઈ
ઉગતી પરોઢ ને બારણે
સોહામણી સવાર છે અમારી કોને કારણે ?

વાતા  આ વાયરે ઉડે છે કોઈ
ઉગતી પરોઢને બારણે
આ વ્યોમ સાથે વિહંગને છે યારી કોને કારણે ?

લાગણીને ટેરવે સુતેલા શમણાં જગાડે કોઈ
ઉગતી પરોઢ ને બારણે
આ કાજળ શી આંખ્યું જાગે છે મારી કોને કારણે ?


રેખા જોશી

Sunday, May 8, 2016

ગઝલ -

અરે ધસમસ ધસે સરસર સરે ભાગે સમય આગળ
 જવાનીની કસોકસ મેં લગાવી છે અહીં સાંકળ

બહુ તપતા રહી તડકે તપાવી જાતને આવી
નથી ઝગમગ થવાને ભાત મારી હું નથી ઝાકળ ,

વહે છે આજ તારી આંખમાં આંસુ ખબર એવી
હતું એ મૌન થીજેલું અને લાચાર ગંગાજળ

ચણી લીધી ઇચ્છાઓને બધી ભીંતો મહી લાગટ
છતાં પડઘાં બની પડઘાય છે આશા અહીં સાંભળ

કહું છું હું મને, સાચી હશે તું જો પછી જોજે
તને મળવા અહીં ખુદા જ પોતે આવશે પાછળ

નવેસરથી જ આલેખું કથાને હું ,કદાચે જો
નવી આ કાલ માટે તે બને કોરો જ કાગળ

રેખા જોશી 

Saturday, April 30, 2016

મારા  હૈયાંની વાત,મારી પાંપણે અટકી,
વાલમની વાટ જોતાં,આંખ મારી મટકી,

જોને સખીરી ચાંદ કેરી પૂનમની રાતડી,
કરવી છે આંખને આંખ સાથે વાતડી,
કહું  શરમ ના શેરડે વાત મારી લટકી.....
મારા હૈયાની વાત મારી પાંપણે અટકી

હવેતો આવ છોગાળાછબીલા વાલમાં,
મારે રમવું છે તારી  થાપકેરીતાલમા
ધક ધક  ધબકયુ હૈયું ને એવી હું છટકી..
મારા હૈયાની વાત મારી પાંપણે અટકી

-
પાંપણે પ્રતીક્ષા ઢાળી છે
ઊંઘને પાછી મેં વાળી છે

આ હવા લાગે વૈશાખી ને
મેઘલી રાતે મેં ખાળી છે

એક હાથ તારો ને મારો
સાથમાં પ્રભુની તાળી છે

'જીવવું 'આ એવો પડછાયો
આમ જાત ને જો પાળી છે

વાંસળી વાગે તો મીરા છું
લે હવે કાયાને ચાળી છે 

Wednesday, April 27, 2016

પરી


એ અચાનક આવી ચડી ,
ને પતંગીયાની માફક
ફરી વળી
ઘરની દિવાલો રંગોથીભરી -
એની ચકોર નજર
ક્ષણભર અતિતમાં સરી ,
ગઈકાલની
રક્તવર્ણી પગલીઓમાં હતું
ડહાપણ નું વજન ,
બની હતીમુગ્ધા
આજે મેઘાવીની ,
મારા સ્વપ્નની હતી ,જે પરી
,ગઈહતી સાસરે ,કોમળ કોમળ
ડગભરી ......

રેખા જોશી
પડછાયો /


માણસ એક પડછાયો,
સદા સૂરજ સાથે સચવાયો,
ધીમે ધીમે મધ્યાને,
પોતે પોતાનાંમાં જ સમાયો,
ઢળતી સાંજે અંદર બહાર
આગળ પાછળ એ લંબાયો
છાયા બની ક્યારેક પથરાયો,
ને અંધારે એકલવાયો
ના એ પકડાયો ના સમજાયો
જૂઓ આ પડછાયાનો ખેલ,
કેવો? અદભૂત ખેલાયો...
આ પડછાયો......એક ....
માણસ ....જે .....
અંજવાળા નો સાથી
અંધારાનો ???
લગ્ન તિથી .


માત્ર સમયનો ,
સરવાળો જ નથી ,
આ લગ્ન -ગાળો ,
પ્રેમ ,સ્નેહ ત્યાગ ને સમજણ નાં
તણખલા થી બાંધેલો ,
તારો મારો હુંફાળો માળો .
આજે આ લગ્ન પૂરાં કરે છે ,
ત્રેવીસ સાલ છતાં.........
આ ક્ષણ હજી બની નથી ,
ગઈ કાલ ...........
ઉમેરતું જાય કોઈ વ્હાલ .
મઘમઘતી આ સુગંધ ભરી
લગ્નક્યારી,તારી ને મારી ,
સમજણ ને છે ,આભારી ....................
'હું ને 'તું' ને ક્યાય ,અવકાશ નથી
હવે બધી જ વાત સહિયારી .
કારણ ???
મોહતાજ નથી તિથી કે તારીખ
પ્રેમ જ પ્રેમ જ્યાં નખશીખ ....
અહેસાસ.

મલકાતી,ધવલ આ ચાંદનીઍ ,
પુછયું;
મંદ મંદ હવા,
નીકળી તું ક્યાં જવાં?
મેં કહ્યુ;
હોય જો ઍ પાસ,
તો બની જાય,
બધું ખાસ
પછી હોય
પૂનમ કે અમાસ?
ઍ નહીં તો,
શીતળ ષ્વેત ષ્વેત...
લાગણી ભય્રો
ઍનો અહેસાસ....
ઍ તો,
વાંસળીનાં સૂરમાં,,
ચાંદનીનાંનૂરમાં
પગની નૃપુરમાં,
બની ઊજાસ......
મારાં ઉરમાં....
લઘુકાવ્ય -


મુગ્ધ અમે ,મદહોશ
શબ્દથી ભલે ખામોશ ,
છીએ ઓતપ્રોત અંદરથી ,
અમાપ -ઊંડાણ છે એટલું
તસભાર ઓછું સમંદરથી ...?
''હું ''હવે ક્યાય નથી હવામાં ,
હોય વસંત ,પાનખર કે પછી -
બળબળતી બપોર......,
એકમેકમાં એકાકાર ,
અસ્તિત્વ જ્યાં ઓગળી ગયું ,
કરી દીધું જ્યાં અર્પણ ,
બની ગયું એ જ મારું દર્પણ

રેખા જોશી ..
વતન -

ભરી ગંધ ગોબરની,
 એ ગામડાની ગલી ,
થતું;-હાંફતા શહેર કરતાં
ઘણી યે ભલી ,
હતી  સાંકડી ખોલી
ને જે હતી હાટડી ,
ખબર લેવા-દેવાની
 જાણે હતી એ કડી। .
નજર જ્યાં પડે બંધ ઘર
,લટકે તાળાં ,
તણખલું જડે ના
વિખેરાયા માળા। ..
હવા પણ અજાણી ને
 લાગે પરાઈ ,
પુરાતી નથી
ખાલીપાની એ ખાઈ ,
ખખડતા જીરણ આ
 પીપળને પૂછું ,
-ને ભીંજાયેલ સ્હેજ લોચનિયાં લૂછું ,
ગયું ક્યાં રે ખોવાઈ
એ ગામડું ક્યાં ?
કશી ઓથ લેં પડું -પડું આજ જ્યાં -ત્યાં 
શૈશવ ની પાંખે/


ઉઘડ્યું આકાશ -
શૈશવ ને આંગણે ,
પાંપણ
એક પછી એક
સપના ગણે ,
પાંચ પાંચ પાંચીકા
આનંદ ની મૂડી ,
એક ઉછાળી ,બીજો જીલુ ને -
આભલે ભાત પાડું રૂડી  ...
લીલી -પીળી
લાલ ચટ્ટક કુકી ,
થાઉં રાજી -રાજી ,
ધૂળની ઢગલી માં મૂકી ,
સાંજ પડ્યે -
થપ્પો ને થુપ્પીસ
દોડા દોડી ને પકડા પકડી ,
થાકી હારી ને ચઢાવે રીસ !!!
અહી -તહી ગોતીએ ,
બાવળ ને બોરડી -
લઇ બોર ખાઈએ પીપળે ચડી
થાય આરતી સંધ્યા ટાણે
દોડતું મન જાણે અજાણે
કરતુ દર્શન વિસ્મય ની આંખે
આમજ-
ઉડ્યા કરીએ શૈશવ ની પાંખે ...

રેખા જોશી -
ગઝલ

આંખ છે હરણ ખબર છે તમને?
આશ છે ઝરણ ખબર છે તમને?


જીવવું પળે પળે ખુશીથી ,
આવશે મરણ ખબર છે તમને?


પાંખથી જરા ઉડી જો આભે ,
હોય છે ચરણ ખબર છે તમને?


માનવી !તરસ અહી ઈચ્છાની ,
આ અફાટ રણ ખબર છે તમને?

થાય છે વૃક્ષો ઘટાટોપ પછી ,
વાવ આજ કણ ખબર છે તમને ?

બાગ બાગ છે  ,બગીચા આજે
ફૂલનું પરણ ખબર છે તમને

રેખા જોશી -
 યાદમાં અવસાદ જેવું છે કશુંક ,
આંખમાં વરસાદ જેવું છે કશુંક

હોશમાં છે ?ના નશામાં આ મનુજ ,
'જામ'માં બરબાદ જેવું છે કશુંક ,

અટપટા આ લોકમાં દ્વંદો જ હોય ,
માનવીમાં વાદ જેવું છે કશુંક ,

કુદરતની લીલા જ છે ખુદા -રહીમ
લે અહી સંવાદ જેવું છે કશુંક ,

છોડ તું તારી અપેક્ષા જો પછી જ
ચોતરફ આબાદ જેવું છે કશુંક ,

તું જ તારી જાતને પૂછે જરાક ?
ભીતરે આ સાદ જેવું છે કશુંક ,

ખુદ તું આવી મળી લેને તનેજ ,
લાગશે આ 'નાદ' જેવું છે કશુંક

રેખા જોશી -

Thursday, April 14, 2016

ચોમાસું / રેખા જોશી

     (પૃથ્વી/ સોનેટ)


હવે વરસ તું ,નભે તરસતાં અશ્રુ આકરા ,
બધાં ટળવળે અરે!પવનથી જડી -ઝાંખરા ,
જરા ગડગડે અહીં ગગન, ને હવા નાચતી
વહી સરકતી પંથે ,કરગરી ધરા યાચતી ,
 
મને તરસની પ્રિયે જણસ તું વર્ષા પાંપણે ,  
બહુ તડપતી રહી ,પલળવું હવે આપણે ,
ભલે ધડબડે ,ઘટા વનવને મળી સાંભળે ,
રહી તરત વીજળી ,જળહળે વળી વાદળે ,

ઘણી ઘનઘટા રહી વરસતી, ભરી આંખમાં ,
થયું મન જરી અહીં ,જળભરી લઉં પાંખમાં
લતા મરકતી અરે !જળ થકી રહી પાંગરી
બની નવવધૂ, સજી પગ મહીં નવી ઝાંઝરી

પંખી થરથરે ,કંપી ફરફરે જઈ ડાળમાં
થતું થનગની રહું ,ઝરમરી અહીં જાળમાં



ડી -10 .કેશવબાગ, ફ્લેટ શ્રેયસ ટેકરા ,આંબાવાડી
             અમદાવાદ 380005 

Wednesday, April 13, 2016

વરસાદી કાવ્ય -

તું એક વરસાદી વાદળ ,
ટપ...ટપ....
ટીપાં બની ટપકે ,
પછી ફોરા થઇ ફેલાય....,
અને મુશળધાર વરસી પડે ,
.........પછી .....
હું હેતની હેલી બની જાવ ,
મારાં મનમાં ટહુકા બની ,
    ટંકાય છે તું......
તારી વાછટથી લથબથ ,
..........   હું ........
પ્રવાહ બની તારી સાથે ,
  વહેવા લાગુ છું ,
સ્મરણ -સુગંધ -સ્વપ્ન 
     લઈને 
આમજ તું હોય છે.....
મારાં મોરપિચ્છ સ્વપ્નની ,
.......જણસ ......

રેખા જોશી -
ગઝલ

કહું આમતો બે અસર છું
અને ક્ત્લથી બેખબર છું

નશામાં નથી હોશમાં છું
હવે હું અહી બે નજર છું

હજુ તો ઉગી પણ નથી ને
કહો કે અરે! પાનખર છું

કરો અવતરણ તો ખબર હો
વછૂટે અમી ,માવતર છું

ન અંદર ન બારે ખડી છું
અધૂરી જ તારી વગર છું

નથી એટલી એમ બરછટ
અરે ! મખમલી હું ડગર છું

વસે છે  વસંતો  અહીંયા
છતાં તું જ જો બેકદર છું

હિસાબો લઉં જાત સાથે
પછી જોવ કે માતબર છું ?


રેખા જોશી -

ભૃણહત્યા /


એવું જ છે
 હું ,
સતત એને ચાહું છું ,
અને - એવુંય નથી કે -
એ મારું જીવન નથી
પણ.....
ક્યાંક એ ખોવાયું છે ,
મૂંઝાયું છે ,
અટવાયું છે ,
કરમાયું છે
બસ ....રહી ગયું
 એક લાચાર બીજ બનીને
જેની આસપાસ ગેરસમજના -
વેલા વીંટળાયાં છે
અપેક્ષાઓની ડાળીઓ ફેલાઈ છે
જેમાંથી આક્રમકતાના ફણગા ફૂટ્યા છે ,
અને ચોપાસ મૂળ સાથે ઉખેડવાની -
તેયારીઓ ચાલે છે .....
ક્યાંક દબાઈ ને રહી ગયું છે એ ,
એ બીજ બહાર આવવા ઝંખે છે
હવા પાણી પ્રકાશથી અકુંરિત થવા માંગે છે
એને હું શ્વસું છું ,પ્રેમનું ખાતર આપું છું ,
પરંતુ ...ડરું છું ....કાંપું છું
ક્યાંક...ક્યાંક
કસુવાવડ ન થઇ જાય ...




રેખા જોશી -
ગઝલ -

નથી બોલવું મૌનની આ  અસર છે .
ગમે ભીતરે મન ,પરમની સફર છે .

સહજમાં બધું ચાલતું ભેદ ક્યાં છે
નયનમાં અહી એક સરખી નજર છે .

બહુ પ્રેમ છે ભાવ છે આવજે તું
કરુણા વસાવેલ એવું નગર છે .

સરસ રામનું છે રટણ ને પ્રતીક્ષા
અહી આવશે એજ રાઘવ ખબર છે .

નથી આજ અવસાદ ,જા ઓગળી જા
નરમ મીણની આગને પણ કદર છે .

કરુણા અને પ્રેમને સત્ય સમજી
હસીને લગાડું ગળે તે અફર છે .

રેખા જોશી -અમદાવાદ 
-માં -

હ્રદયનાં ખૂણે,
 ખટકે વાત ,
તું આજે નથી હયાત........
તારો જ અંશ
,તારોજ પિંડ હું ,
જન્મો જન્મ
બનવા ચહું......માં
અંદર બહાર તને-
 સીવી લીધી  ને
આ જીન્દગી મેં
 જીવી લીધી ....માં
તું -
મારી પળ પળ છો ,
મારું આત્મબળ છો ,
મારો પથ પ્રકાશ ,અને
માથે આકાશ પણ-
 તું જ છો  ......
મારું સમગ્ર અસ્તિત્વ ,ને -
પૂર્ણ વ્યક્તિત્વ તું જ...માં
આ પાલવની સુગંધ ,
 મારી આંખોમાં બંધ તું જ છે ,
અને -
મારો આત્માનો અવાજ ,
મારી ખુદાની નમાજ તું...જ
શિવાલયે સવારની આરતી ,
સાંજની દીવાબત્તી પણ તું .જ
ખબર છે તને ???
'દીકરી''માંથી જન્મી છે આજ ....
એક   'માં' .......

રેખા જોશી -
ગઝલ -



હતી હસીન પાંદડી
પછી મને હવે જડી

વખત ગયે ખબરપડી
બહાર બારણે  સડી

પ્રથા હવે નથી રહી ,
પડીરહે વ્યથા સહી

જરા કહો ભલે તમે ,
નયન મહી નદી વહી

સમય નથી હવે મળું ?
અરે !આમ તરત કહી ,

ઘડી ઘડી સમજ જરા
પગે પગે પતન અહીં

સફર લગી સદા રહું ,
નદી બની નજર મહીં

રેખા જોશી
પુષ્પ /મંદાક્રાન્તા

આજે પુષ્પો મઘમઘ થયાં ,વેલ કેવી ચડી છે ,
ભીની ભીની નયનનમણી ,ઝૂલ એવી જડી છે
ભીંજાયેલું ,જળકમળ જે પોત છે આ હવાનું ,
રૂપાળું આ ,વિવિધ ઢબમાં બોલ કેવું મજાનું ,
ફેલાવી દે , ફરફર અહી બાગમાં તું લહેરો ,
શોભા દેતો ,તરબતર તે ડાળ ડાળે ચહેરો ,
કાલે પીળું ,તું વનવન થશે પાન જો ખરીને ,
આંસુ આવા ,જળ જળ વહે ઓસ બિંદુ ઝરીને ,
માળી તારો, રડમસ થતો ,ઉજડે તું જ શાને ?
આવેલું એ ,પળપળ રહી આમ તો એ જવાને ,

રેખા જોશી -
 બસ આટલી જ વાતમાં -


રિસાઈ જશે એક જણ ,નહોતી ખબર
                 બસ આટલી જ વાતમાં .....
બની જશે સૂકુ ભઠ્ઠ, લાગણીનું રણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં .......
યુગોનો સબંધ, બની જશે પોકળ ક્ષણ નહોતી ખબર ,
                 બસ આટલી જ  વાતમાં ........
સમેટી હતી સદીઓ, થશે ભૂક્કો કણ કણ નહોતી ખબર ,
                  બસ આટલી જ વાતમાં .......
આવી ઉભું રહેશે ,  ''અહં ''નું;''પણ?''નહોતી ખબર ,
                બસ આટલી જ વાતમાં ........
દવા દુવા છતાં, થીજી જશે હૂંફાળા સ્મરણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં .....
ન અંદર ન બહાર , ઉંબરે ઉભા રહેશે ચરણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં ........
આંખે ઉગાડ્યું વન ,પણ આવશે નહી હવે ત્યાં હરણ ,
                 બસ આટલી જ વાતમાં ......



રેખા જોશી -
અમદાવાદ



સવાર-સાંજ કેવી ભાગતી,
ઉભેલાં વૃક્ષો,મકાનો વચ્ચે,
વાહનોનાં ધૂમાડાંને ઓક્તી....
સજીવ-નિર્જીવ બધાયને,
અહીં તહીં ઊપાડતી...
ક્યારેક બની દિવો ઝૂંપડીનો,
અંધારા ઍનાં ઉલેચતી.....
ઊબડ ખાબડ છતાં ઍ,
ના થાકતી, બસ રાતોની રાત,
ઍ જાગતી,બસ જાગતી....
દૂર દૂર મૃગજળ સમી,
ઍ લાગતી છતાં મનુષ્યની,
ભીતરે આશાનો દિપક પ્રગટાવતી.....
ના અટકતી,ના અટકાવતીને,
વિશ્વ આખું અજવાળતી....
આ સડક.....

Saturday, March 12, 2016

પાનખર -

મનમાં મૌન એમ વિસ્તરે
બની વમળ સાગરમહી સરે .....
     ઝાંખપ કે મોતિયો આંખમાં
     શૈશવ -સ્મરણો લઇ કાંખમાં
          બાળપણ એ બુઢાપે તરવરે....મનમાં

કપાઈ પાંખો વિવશ વનમાં
અવાજો બન્યાં 'પડઘાં 'તનમાં
બેબાકળું છે, હતું મન બાહોશ
મોતનું સ્વાગત કરે એ બેહોશ
         શ્વાસો થકી સમય ભરે........ મનમાં

પાનખરે પર્ણ પીળા ખખડે
જેમ પંખીની પાંખ ફફડે
         મન કઈ વસંતે ટહુકા કરે ??
         મનમાં મૌન એમ વિસ્તરે ......    ..

રેખા જોશી -
વૃદ્ધત્વ -

પર્ણ પીળું ખખડે
પછી એ બબડે ..
ક્યાં સુધી ??
લાગણીના વૃક્ષે એ  લબડે ?
મોહ -માયામાં વળી આ કાયા -
ક્યાં સુધી સબડે ??
મન -
ક્યાં સુધી બની માટી ચાકડે ચડે ?
કેટલું લડે ,પછી એ પડે ...
જડે  ફરી લાગણીનો તંતુ -પકડે ,
સમય થોડો સરે એના વડે ...
વળી ......
સામાન સમો એ સૌને નડે
બને જયારે એ પીળું પર્ણ .....


રેખા જોશી -
સાક્ષીભાવ -


આંખ સામે નથી અંધકાર કે -
પૂર્ણ દિવ્યજ્યોત ,
પડછાયા રહિત હું....
ધીરે ધીરે મુક્ત બની
ડગ ભરી રહી છું ...
જ્યાં નથી અતીત ,
આજ કે પછી ભવિષ્ય ,
જ્યાં મારો અંશ રહે નહી -
સ્મરણ સુગંધ કે સમયમાં
બની અસ્તિત્વ
 સૂક્ષ્મ કે સ્થુળમાં રહેવા ન ચહું
કારણ ??
હયાતીથી  જ હોય છે
દ્વિધાઓ ,પ્રશ્નો કે અપેક્ષાઓ ..
પુનઃ
જન્મ લેતા વિવાદો
આભાસો કે અસત્યો
વિરમું ..ત્યાં...
જ્યાં સત્યની શોધ પૂરી થાય
જ્યાં ઈશ્વરનો આવાસ છે ....

રેખા જોશી -

Sunday, February 21, 2016

 હતી હસીન પાંદડી
પછી મને હવે જડી

વખત ગયે ખબરપડી
બહાર બારણે  સડી

પ્રથા હવે નથી રહી ,
પડીરહે વ્યથા સહી

જરા કહો ભલે તમે ,
નયન મહી નદી વહી

સમય નથી હવે મળું ?
અરે !આમ તરત કહી ,

ઘડી ઘડી સમજ જરા
પગે પગે પતન અહીં

સફર લગી સદા રહું ,
નદી બની નજર મહીં

રેખા જોશી
લાગી ગયો લાગણીને લૂણો
હવે આપીદો પોતીકો ખૂણો
સબંધો લાગતાં લીલાંછમ્મ
થોડું ખોતરો ત્યાં ખાલીખમ્મ
     નજરે નહી એક સબંધ કૂણો
     હવે આપીદો પોતીકો ખૂણો ....

આવે સૂરજ બચી ગયેલ તિરાડે
ઢંઢોળી મને કાયમ જગાડે
બારીએ આ ડોકાતી વેલ
જીવવા જાણે કરે પહેલ
       કેટકેટલાનાં ચૂકવીશ ઋણો
      હવે આપીદો પોતીકો ખૂણો ....

વેદનાની ટાંકણી એવી વાગી
લોહીની ટશરો ઉભરાવા લાગી
અંગ અંગને લાગી ગયો લકવો
ના હવે તેને કોઈ જગવો
      તે બરછટ ને નગુણો
      હવે આપી દો પોતીકો ખૂણો.....

રેખા જોશી -
સાંજ પડે સૂરજ ઢળે ,
ગાયોના ધણ પાછા વળે
       મને બાળપણ યાદ આવે ...

થઇ ભેગા કરતા કૂંડાળુ
ચોકમાં વ્હાલનું થતું વાળું
વાગે ઝાલર થાય આરતી
મૂકી રમત હું મંદિરે ભાગતી
       મળવા મનની જાયદાદ આવે
       મને બાળપણ યાદ આવે....

કૂવાનાં ક્ઠોડે વાટ જોતી
સહિયરની યાદો સંજોતી
વિરડાના પાણીને આછરતી
ખોબે ખોબે એને ભરતી
        યાદ એવી વરસો બાદ આવે
       મને બાળપણ યાદ આવે ......


ચોકે થતી ફાનસની બત્તી
સમેટાઈ જતી ઘરમાં વસ્તી
સાંજ પડે વાટ જોતા માડીના નેણ
મીઠો ઠપકો આપતાં બે વેણ
        માંહ્યલામાં મૈયરનો સાદ સતાવે
        મને બાળપણ યાદ આવે......

રેખા જોશી -

ગઝલ

કહું આમતો બે અસર છું
અને ક્ત્લથી બેખબર છું

નશામાં નથી હોશમાં છું
હવે હું અહી બે નજર છું

હજુ તો ઉગી પણ નથી ને
કહો કે અરે! પાનખર છું

કરો અવતરણ તો ખબર હો
વછૂટે અમી ,માવતર છું

ન અંદર ન બારે ખડી છું
અધૂરી જ તારી વગર છું

નથી એટલી એમ બરછટ
અરે ! મખમલી હું ડગર છું

વસે છે  વસંતો  અહીંયા
છતાં તું જ જો બેકદર છું

હિસાબો લઉં જાત સાથે
પછી જોવ કે માતબર છું ?


રેખા જોશી -

Sunday, January 17, 2016

ના કરો રાવ, રોવું પડે રોઈ લે ,
ખુદ પોતેજ પીડા સહી જોઈ લે


મૂળ છે વાદળોનું ,મહી સાગરે ,
એજ ખારાશ આંસુ બની ધોઈ લે


શ્વાસ આ જો બધા આપણાં છે જ ક્યાં?
આપણું ક્યાં હતું સમજ, ને ખોઈ લે ,


આંખમાં વાગતી જીંદગી ની કણી
તો નજર આજ મારી અહી કોઈ લે

 આમ ખખડે પવન સાથમાં પાંદડું ?
આજ આ સૂરમાં ગીત હરકોઈ લે ..


રેખા જોશી -

Monday, January 11, 2016

નથી બોલવું મૌનની આ  અસર છે .
ગમે ભીતરે મન ,પરમની સફર છે .

સહજમાં બધું ચાલતું ભેદ ક્યાં છે
નયનમાં અહી એક સરખી નજર છે .

બહુ પ્રેમ છે ભાવ છે આવજે તું
કરુણા વસાવેલ એવું નગર છે .

સરસ રામનું છે રટણ ને પ્રતીક્ષા
અહી આવશે એજ રાઘવ ખબર છે .

નથી આજ અવસાદ ,જ ઓગળી જા
નરમ મીણની આગને પણ કદર છે .

કરુણા અને પ્રેમને સત્ય સમજી
હસીને લગાડું ગળે તે અફર છે .

રેખા જોશી -
રિસાઈ જશે આમ એ જણ
નહોતી ખબર આમ આવી

બની આ જશે લાગણી રણ
 નહોતી ખબર આમ આવી

સમેટી સદીઓ હશે ક્ષણ
નહોતી ખબર આમ આવી

સબંધો વિખેરાય કણ કણ
નહોતી ખબર આમ આવી

રહેશે જ ઉભું 'અહં 'પણ
નહોતી ખબર આમ આવી

હતું ઝેરનું એજ મારણ
નહોતી ખબર આમ આવી

હવેતો બતાવો જ કારણ
નહોતી ખબર આમ આવી

-રેખા જોશી

Thursday, January 7, 2016

ભાતીગળ ભૂજ


મને ગમતું આ ભાતીગળ ભૂજ
ત્યાના લોકોની વાતે વાતે રમૂજ ,

ભૂજીયાની ગોદમાં એ લપાયું ,
ધૃજી ધરતી ને નવું સ્થપાયું ,
    કચ્છની આ કલગીને નમું નમું જ ..


વગડાના વાયરે એવી તો ગૂંથણી
એના વેઢે વેઢે જાણે કલા જણી ,
     આવા ખંતીલા લોકને નમું નમું જ ..

ખારા આ પટના મીઠા છે માનવી
રણની શોભા રોજ નવી નવી
       ચમકતી ચાંદનીને નમું નમું જ ..

એના મધ્યે હમીરસર તળાવ
ખોદેલી આ ઇતિહાસી વાવ
    આથમણી સાંજને નમું નમું જ ..


ત્યાં સોહામણો આયના મહેલ
કરીએ ત્યાં પોતાને જોવાની પહેલ
    મહેલના મિનારાને નમું નમું જ ..


કાળો ડૂંગર ને સફેદી રણ છે
આવા ક્છ્ડાના ભાતીગળ જણ છે
સૂકી ધરાનાં ભીનાં આ તળ છે
વચને ખુમારી ને બાવડે બળ છે
        આવા ગરવીલા ગામને નમું નમું જ...


રેખા જોશી -