Tuesday, June 30, 2015

એક સવાર -

થઇ એક સવાર ને-
બસ ,
ચાલુ રફતાર ,
જીજ્ઞાસાની પાંખ પર
સવાર થઇ ,બાળકો ફૂલની જેમ
ઉઘડે છે ,રંગબેરંગી પતંગિયાઓને ,
સ્કુલબેગમાં ભરી સ્કુલે જાય છે ,
મુગ્ધ કોલેજ કન્યાઓ પોતાની આંખમાં ,
સ્વપ્નાઓ આંજી પોતાની મંઝીલ તરફ ,
મીટ માંડે છે તો ---
યુવાનો ઉત્સાહ અને ઉમંગભેર સફળતાના -
શિખરો પર પહોંચવા હરણફાળ ભરે છે ,
ગૃહિણીઓ ક્ષણ બેક્ષણ ઈશ્વર પાસે બેસી
માંગી લે છે સદીઓ !!!!
વૃધ્ધો પોતાનાં ભારને ઉપાડી
લાકડીના ટેકે સમય ને શ્વાસ ભરે છે ,
......તો ક્યાંક એક ગરીબ આંસુ ,
શક્યતા અને સંભાવનાની આરપાર ,
પરપોટો બની તો જાય છે પણ ??
ક્ષણમાં જ એ ......ફૂટી જાય છે
અને ભળી જાય છે .......
સમયના પ્રવાહમાં ......

-રેખા જોશી

Thursday, June 25, 2015

મૌનની દીવાલમાં આંખનો છેદ હોય છે
નીકળી આંસુ જશે આમ એ ખેદ હોય છે ,

ભીતરે ડૂમા ભર્યા હાંફતા આ હવા વગર
હ્રદયમાં સમજણ ભરી બસ એક કેદ હોય છે ,

બાવળોનાં આ શહેરો તરત શૂળ ભોકતાં ,
ફૂલનો પગરવ અહીં ,આજ તો ભેદ હોય છે

જીવવું છે માંહ્યલું  જીવતર લે હવે અહીં ,
હોય છે ઈશ્વર  ને 'માનવી 'વેદ હોય છે

આદમી ખુલે નહીં  સાથમાં જો નકાબ છે ,
હરવખત 'રેખા' અહં નો જ પ્રસ્વેદ હોય છે


-રેખા જોશી

Saturday, June 20, 2015

પાંપણે, પ્રતીક્ષા ઢાળી છે ,
ઊંઘને પાછી, મેં વાળી છે ,

આ હવા લાગે વૈંશાખી ને -
મેઘલી રાતે, મેં ખાળી છે ,

આવી તું અંજવાળે અંજવાળે
કર નવું , આ રાતો કાળી છે

'જીવવું' આ એવો 'પડછાયો '
આમ આ જાત્યું  ને પાળી છે

વાંસળી વાગે તો 'મીરાં ' છું ,
લે  હવે  કાયાને ચાળી છે,

-રેખા જોશી
હું  એક  પાંદડી  છું
આજે  હવે  જડી છું ,

પાડી જ પાનખરમાં ?
દિલ  લે  હવે  રડી છું ,

ખારા જ આમ આંસુ  ,
મૂકી  વ્યથા  લડી  છું

પૂરાઈ  હરવખત  આ ,
જો  બારણે  સડી  છું ,

તું  બોલ  ઓ  અટૂલી
પગમાં કસમ પડી છું

જંગે  ચડી  શકું  છું ,
ઘરમાં જ તું કડી છુ

-રેખા જોશી
પ્રથા હવે નથી રહી ,
પડીરહે વ્યથા સહી

જરા કહો ભલે તમે ,
અશ્રુ તણી નદી વહી

સમય નથી હવે મળું ?
અરે !આમ તરત કહી ,

ઘડી ઘડી સમજ જરા
પગે પગે પતન અહીં

સફર લગી સદા રહું ,
નદી બની નજર મહીં

રેખા જોશી

Friday, June 19, 2015

મારા અસ્તિત્વ ની ઓળખ -

હું અવતરી 'માં' ની કૂખે ,
અને તમારી વિશાળ હથેળીમાં ,
એ સ્પર્શમાં ,
કોમળ સંવેદના સાથે હતો ,
હૂંફાળો વિશ્વાસ પણ .....
જે મને એકવાર પાંખો આપશે -
અને ઉડવાને આકાશ પણ પછી -
મારી રક્તવર્ણી પગલીઓ ને -
તમેજ સ્થિર કરી ,
હું વિકસી એક વેલીની જેમ
તમારા જ ટેકાથી
બાહોશ એવા મજબૂત ખભે બેસાડી ,
દુનિયાની તમેજ સફર કરાવી ...
છતાં.....
ખબર છે મને જયારે જયારે ,
તમારી અંદર ઉદાસીના વાદળ ઘેરાયાં ,
ત્યારે ત્યારે છાનાખૂણે આવેલા આંસુ ને ,
વરસાદમાં ખપાવી ખડખડાટ હસ્યાં છો ,
મને-માત્ર લાગણીની વાછટ આપી
ભીંજવી છે, બળબળતા  સૂર્યનું આવરણ ,
થઇ માત્ર શક્તિ અને તેજરેખા આપી છે.....
આજે ,
એ વડલો ઘેઘૂર બની આજે જીર્ણ થયો છે ,
પાનખર તેને પણ અડકી છે ,અને .....
સામાન્ય પવનની થપાટે પણ
હલી જાય છે ....
ત્યારે હું વસંત બની મ્હોરી જાવ છું
તેની આસપાસ ....

-રેખા જોશી

   

Tuesday, June 16, 2015

માણસ /

આકાશમાં ડૂબી જરા સૂરજ અહીં સંતાય છે ,
રંગો બધા ફેલાયને ,રસ્તા બની સંધાય છે

ઉદાસ આ આંખો મહીં જો જો જરા માયુસ છે ,
કે આદમી આવો સફરમાં હરવખત કંતાય છે

પાષણ ની મૂર્તિ બધી ,સંસારમાં કોને ખબર ?
પડકાર છે આતો તને ,આખું જગત ટંકાય છે

સૂરો પછી સંગીત છે ,રંગીન જો આશા બધી
આવી સ્થિતિ જેમાં પછી સપના અહીં લંબાય છે

તું આમ જો 'કાયા ' કને ,ડૂમો ભરી શું પૂછતો ?
સામાન છું ઘર માં જ ,ખૂણે ખાટલો નંખાય છે


-રેખા જોશી
ગણિકા /

મુગ્ધા એ ,માદકતાની વસંતે વળી હતી
પડછાયામાં, આ ગમ ને પ્રતીક્ષા મળી હતી ,

લાલીમાં લાચારી છે ,સફરમાં વ્યથા -કથા ,
હૂંફાળા એકાદા, શ્વાસથી સળવળી હતી

માણસ ખોતરતાં ,જો નીકળે વેદના અહી ,
પોતાની ભરચક ,જોને બજારે ભળી હતી ,

પીળી પીળી આવી પાંદડી ,પાનખર કહો ,
લીલી લીલી શોભા ,બાગની તે કળી હતી

અંધારે અંધાપો આંખનો ,તે નજર મહી ,
અંજવાળે આખેઆખી જ જાતે બળી હતી .


-રેખા જોશી
 

Thursday, June 4, 2015

રોબોટ -

આભમાં ઉતારો
આ  સમળી નો ,
ગોળ ગોળ ચકરાવા લે છે ,
રાત આખી -
વર્ષથી ભીંજાય ને
માટીની સુગંધ હવામાં ફેલાય છે .
વિહંગ ને આભે જાણે ઉચક્યાં છે
ચોમેર નીરવ શાંતિ વચ્ચે મૂક સાક્ષી ,
આ વૃક્ષ એક તપસ્વી ની જેમ ઉભું છે ,
એક સુંદર બુલબુલ ક્યારનુંય તેનાં -
મૌન ને તોડવા મથી રહ્યું છે
ડાળી ડાળી પર દોડી ને ખિસકોલી ,
અંદરના આનંદ ની ઓળખ આપે છે
વરસી ને હળવા ફૂલ આ વાદળ ,
શ્વેત  વસ્ત્રધારી ..મહાત્મા ની જેમ
ફરી રહ્યા છે ,,
આ પ્રકૃતિ કેવી રસમય !!
આ સંવેદના ??
માણસ દોડે છે ,હાંફે છે ,હંફાવે છે ,
બની ગયો છે એક રોબોટ ,
-જે હાથપગ હલાવે ને ધૂણાવે ધડ !!!!

-રેખા જોશી
ચાંદની /

હું એક ચાંદની ,
જે ઘરનો ખૂણો ખૂણો  ને -
ગામની ગલી ગલી થી ,
છેક પાદર સુધી ,ને પછી ,
વિશ્વ આખાને અજવાળતી તો -
સૂરજથી આકુળ વ્યાકુળ આ ,
ધરાને મૃદુ સ્પર્શ કરી છાતી સરસી ચાંપી
શીતળતા આપતી...અને ,
અમાસે ટમટમતા તારલાઓ ને પણ ,
પ્રકાશવાનો મોકો હું આપતી ..
પ્રકાશવું બસ પ્રકાશવું એજ મારો સ્વભાવ ,,
આમ -
મારું અજવાળું લઇ ,
રેલાતી ગઈ ,
ફેલાતી ગઈ ,
પણ અચાનક એકવાર !!!!
અંધકાર છવાયો ને હું  -
પીંખાઇ
ચીરાઈ
વહેરાઈ
ચોતરફ ચિત્કાર પડઘા બની પછડાયા ને -
હું મનોમન બબડી ,ઓહ ! આતો ચન્દ્ર ગ્રહણ ..

-રેખા જોશી