Wednesday, August 12, 2015



પૃથ્વી છંદ -17 અક્ષર ,લગા -લલલગા -લગા -લલલગા -લગા -ગાલગા

ચોમાસું /

હવે વરસ તું ,નભે તરસતાં અશ્રુ આકરા ,
બધાં ટળવળે અરે!પવનથી જડી -ઝાંખરા ,
જરા ગડગડે અહીં ગગન, ને હવા નાચતી 
વહી સરકતી પંથે ,કરગરી ધરા યાચતી ,
 
મને તરસની પ્રિયે જણસ તું વર્ષા પાંપણે ,   
બહુ તડપતી રહી ,પલળવું હવે આપણે ,
ભલે ધડબડે ,ઘટા વનવને મળી સાંભળે ,
રહી તરત વીજળી ,જળહળે વળી વાદળે ,

ઘણી ઘનઘટા રહી વરસતી, ભરી આંખમાં ,
થયું મન જરી અહીં ,જળભરી લઉં પાંખમાં
લતા મરકતી અરે !જળ થકી રહી પાંગરી
બની નવવધૂ, સજી પગ મહીં નવી ઝાંઝરી
 
પંખી થરથરે ,કંપી ફરફરે જઈ ડાળમાં
થતું થનગની રહું ,ઝરમરી અહીં જાળમાં

રેખા જોશી -અમદાવાદ

Monday, August 10, 2015

હરિણી છંદ -17અક્ષર ,લ લ લ લ લ ગા -ગા ગા ગા ગા -લ ગા- લ લ ગા -લગા

નિશદિન અહીં ,આવું શાને થતું સઘળું કહે ,
સળવળ થતી ,પીડા તારી બહુ રડતી રહે ,

અગન ઝરતી ,વાણી એની બધે સરખી છળે ,
જણતર કરી ,પાપો આવા ,પછી મનડું બળે

ઘર ઘર હશે ,તારી મારી ,કથા જડશે અહીં ,
સબરસ બની ,જાવું તારે બધું મળશે નહીં ,

ચણતર હશે પાયામાં જો કહે જગમાં મને
બરછટ નહીં લાગે જોને અહી નડતું તને ,

અબરખસમા ,ખોટા આવા અરે બનશો તમે ,
ચણતર કરી સારા કામો પછી મરવું ગમે ,

વળતર  નથી  સાચું ખોટું ,ન'લે તપતી ધરા ,
બરકત બધી આપી દીધી ,નમી સમજો જરા ,

નિરતિશય છે ,લોકો એવા રહે સરખા બધે ,
વિનય કરતી ,ભાષા એની બહુ ચડતી વધે ,

-રેખા જોશી
મંદા ક્રાંતા છંદ -17અક્ષર -ગાગાગાગા -લ લ લ લ લગા -ગાલગા -ગાલગાગા

પુષ્પ /

આજે પુષ્પો મઘમઘ થયાં ,વેલ કેવી ચડી છે ,
ભીની ભીની નયનનમણી ,ઝૂલ એવી જડી છે
ભીંજાયેલું ,જળકમળ જે પોત છે આ હવાનું ,
રૂપાળું આ ,વિવિધ ઢબમાં બોલ કેવું મજાનું ,
ફેલાવી દે , ફરફર અહી બાગમાં તું લહેરો ,
શોભા દેતો ,તરબતર તે ડાળ ડાળે ચહેરો ,
કાલે પીળું ,તું વનવન થશે પાન જો ખરીને ,
આંસુ આવા ,જળ જળ વહે ઓસ બિંદુ ઝરીને ,
માળી તારો, રડમસ થતો ,ઉજડે તું જ શાને ?
આવેલું એ ,પળપળ રહી આમ તો એ જવાને ,

રેખા જોશી -
પૃથ્વી છંદ -17 અક્ષર ,લગા -લલલગા -લગા -લલલગા -લગા -ગાલગા

ચોમાસું /

હવે વરસ તું ,નભે તરસતાં અશ્રુ આકરા ,
બધાં ટળવળે અરે!પવનથી જડી -ઝાંખરા ,
જરા ગડગડે અહીં ગગન, ને હવા નાચતી 
વહી સરકતી પંથે ,કરગરી ધરા યાચતી ,
મને તરસની પ્રિયે જણસ તું વર્ષા પાંપણે ,
બહુ તડપતી રહી ,પલળવું હવે આપણે ,
ભલે ધડબડે ,ઘટા વનવને મળી સાંભળે ,
રહી તરત વીજળી ,જળહળે વળી વાદળે ,
ઘણી ઘનઘટા રહી વરસતી, ભરી આંખમાં ,
થયું મન જરી અહીં ,જળભરી લઉં પાંખમાં
લતા મરકતી અરે !જળ થકી રહી પાંગરી
બની નવવધૂ, સજી પગ મહીં નવી ઝાંઝરી
પંખી થરથરે ,કંપી ફરફરે જઈ ડાળમાં
થતું થનગની રહું ,ઝરમરી અહીં જાળમાં

રેખા જોશી -અમદાવાદ