Sunday, February 21, 2016

સાંજ પડે સૂરજ ઢળે ,
ગાયોના ધણ પાછા વળે
       મને બાળપણ યાદ આવે ...

થઇ ભેગા કરતા કૂંડાળુ
ચોકમાં વ્હાલનું થતું વાળું
વાગે ઝાલર થાય આરતી
મૂકી રમત હું મંદિરે ભાગતી
       મળવા મનની જાયદાદ આવે
       મને બાળપણ યાદ આવે....

કૂવાનાં ક્ઠોડે વાટ જોતી
સહિયરની યાદો સંજોતી
વિરડાના પાણીને આછરતી
ખોબે ખોબે એને ભરતી
        યાદ એવી વરસો બાદ આવે
       મને બાળપણ યાદ આવે ......


ચોકે થતી ફાનસની બત્તી
સમેટાઈ જતી ઘરમાં વસ્તી
સાંજ પડે વાટ જોતા માડીના નેણ
મીઠો ઠપકો આપતાં બે વેણ
        માંહ્યલામાં મૈયરનો સાદ સતાવે
        મને બાળપણ યાદ આવે......

રેખા જોશી -

No comments: