Saturday, March 12, 2016

પાનખર -

મનમાં મૌન એમ વિસ્તરે
બની વમળ સાગરમહી સરે .....
     ઝાંખપ કે મોતિયો આંખમાં
     શૈશવ -સ્મરણો લઇ કાંખમાં
          બાળપણ એ બુઢાપે તરવરે....મનમાં

કપાઈ પાંખો વિવશ વનમાં
અવાજો બન્યાં 'પડઘાં 'તનમાં
બેબાકળું છે, હતું મન બાહોશ
મોતનું સ્વાગત કરે એ બેહોશ
         શ્વાસો થકી સમય ભરે........ મનમાં

પાનખરે પર્ણ પીળા ખખડે
જેમ પંખીની પાંખ ફફડે
         મન કઈ વસંતે ટહુકા કરે ??
         મનમાં મૌન એમ વિસ્તરે ......    ..

રેખા જોશી -
વૃદ્ધત્વ -

પર્ણ પીળું ખખડે
પછી એ બબડે ..
ક્યાં સુધી ??
લાગણીના વૃક્ષે એ  લબડે ?
મોહ -માયામાં વળી આ કાયા -
ક્યાં સુધી સબડે ??
મન -
ક્યાં સુધી બની માટી ચાકડે ચડે ?
કેટલું લડે ,પછી એ પડે ...
જડે  ફરી લાગણીનો તંતુ -પકડે ,
સમય થોડો સરે એના વડે ...
વળી ......
સામાન સમો એ સૌને નડે
બને જયારે એ પીળું પર્ણ .....


રેખા જોશી -
સાક્ષીભાવ -


આંખ સામે નથી અંધકાર કે -
પૂર્ણ દિવ્યજ્યોત ,
પડછાયા રહિત હું....
ધીરે ધીરે મુક્ત બની
ડગ ભરી રહી છું ...
જ્યાં નથી અતીત ,
આજ કે પછી ભવિષ્ય ,
જ્યાં મારો અંશ રહે નહી -
સ્મરણ સુગંધ કે સમયમાં
બની અસ્તિત્વ
 સૂક્ષ્મ કે સ્થુળમાં રહેવા ન ચહું
કારણ ??
હયાતીથી  જ હોય છે
દ્વિધાઓ ,પ્રશ્નો કે અપેક્ષાઓ ..
પુનઃ
જન્મ લેતા વિવાદો
આભાસો કે અસત્યો
વિરમું ..ત્યાં...
જ્યાં સત્યની શોધ પૂરી થાય
જ્યાં ઈશ્વરનો આવાસ છે ....

રેખા જોશી -