Wednesday, December 30, 2015

પળ -પળ બળતી થર -થર કાંપતી ...તું પીડિતા ; અરે !! પીંખી તને બનાવી પાનખર ચિત્કાર બનીગયા જ્યાં પડઘા ... રડતી ...કકળતી ...કરગરતી આંખોમાં સવાલ કરતી ક્યાં ?ક્યાં છે માનવતા? હવે તો હદ કરી હટાવો આ જડતા !! ગરવી જન્મભૂમી જનની તારી જ્યાં તું અવતરી .... મળે ખુશીઓ આંચલ ભરી ફેલાવી પાંખ અડી લે આકાશને .. ઉડતી તું ગગન ચુંબતી ખળ -ખળ વહેતી ત્યાં પ્રતિભા પાંગરતી ....
શૈશવ ની પાંખે ઉઘડ્યું આકાશ - શૈશવ ને આંગણે , પાંપણ એક પછી એક સપના ગણે , પાંચ પાંચ પાંચીકા આનંદ ની મૂડી , એક ઉછાળી ,બીજો જીલુ ને - આભલે ભાત પાડું રૂડી ... લીલી -પીળી લાલ ચટ્ટક કુકી , થાઉં રાજી -રાજી , ધૂળની ઢગલી માં મૂકી , સાંજ પડ્યે - થપ્પો ને થુપ્પીસ દોડા દોડી ને પકડા પકડી , થાકી હારી ને ચઢાવે રીસ !!! અહી -તહી ગોતીએ , બાવળ ને બોરડી - લઇ બોર ખાઈએ પીપળે ચડી થાય આરતી સંધ્યા ટાણે દોડતું મન જાણે અજાણે કરતુ દર્શન વિસ્મય ની આંખે આમજ- ઉડ્યા કરીએ શૈશવ ની પાંખે ... રેખા જોશી -

Tuesday, December 29, 2015

રિસાઈ જશે એક જણ ,નહોતી ખબર
                 બસ આટલી જ વાતમાં .....
બની જશે સૂકુ ભઠ્ઠ, લાગણીનું રણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં .......
યુગોનો સબંધ, બની જશે પોકળ ક્ષણ નહોતી ખબર ,
                 બસ આટલી જ  વાતમાં ........
સમેટી હતી સદીઓ, થશે ભૂક્કો કણ કણ નહોતી ખબર ,
                  બસ આટલી જ વાતમાં .......
કિનારા મધ્યે પાણી છતાં, ઉભું હશે ''અહં ''નું;''પણ?''નહોતી ખબર ,
                બસ આટલી જ વાતમાં ........
દવા દુવા છતાં, થીજી જશે હૂંફાળા સ્મરણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં .....
ન અંદર ન બહાર એવા, ઉંબરે ઉભા રહેશે ચરણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં ........
આંખે ઉગાડ્યું વન ,પણ આવશે નહી હવે ત્યાં હરણ ,
                 બસ આટલી જ વાતમાં ......રેખા જોશી -
અમદાવાદ

Friday, October 9, 2015

રોશની  છે  રેશમી  આ રાત મારી છે ,
ચાંદની, તારા, બધી   સોગાત મારી છે

આભમાં આ તેજ આજે આટલું શાને?
તારલામાં આમ જૂઓ ભાત મારી છે ,

ફૂલ જેવી છું હસું ,માસૂમ આંખોમાં ,
જો પડે તડકા જ ,ઝાકળ જાત મારી છે ,

સાગરે ઉઠી ,સમાતા ત્યાંજ આ મોજા
એ નહી છોડે કિનારો ,વાત મારી છે ,

પાન ફૂટ્યાં છે લિલા એ વૃક્ષ પર પાછા
પાનખરને જો વસંતે લાત મારી છે ,

રેખા જોશી -

Thursday, October 8, 2015

અંજવાળાને ભરું ,આ રાત મારી છે ,
ચાંદ સાથે આજ મુલાકાત મારી છે

આભમાં આ તેજ આજે આટલું શાનું ?
તારલામાં આમ જૂઓ ભાત મારી છે

ફૂલ જેવી છું હસું ,માસૂમ આંખોમાં ,
જો પડે તડકા જ ,ઝાકળ જાત મારી છે

સાગરે ઉઠી સમાતા ત્યાં જ આ મોજા
એ નહીં છોડે કિનારો વાત મારી છે

તું તરસ ને હું જ પ્યાસી આંખ ખારી છે
એટલી આજે વિનવણી તાત મારી છે

રેખા જોશી -

Thursday, October 1, 2015

રે ! મન ,

એમ આસાનીથી , જો મળે ના આ પદ ,
હોય નાનું ,મોટું ભીમ જેવું આ કદ ,

રૂપ રૂપાળું , જ્ઞાની ગમે તેવાં પણ
સાથમાં રાખી લેજે કરુણા બેહદ ,

એક આપી તો જોજે અનાથોને તું ,
લાખ પામીશું જો, આપણે ક્ષણ સુખદ

જળકમળવત રેશું આપણે તો જોને ,
'હું 'જ 'મારું''તારું 'ચાલ છોડીએ મદ ,

ખુશ થાજે, ખુશી આપજે સંસારે ,
ભીતરે ભીંજાતું આમ,  હૈયું લદબદ ,

રેખા જોશી -

Saturday, September 26, 2015

આંખ છે હરણ ખબર છે તમને?
આશ છે ઝરણ ખબર છે તમને?


જીવવું પળે પળે ખુશીથી ,
આવશે મરણ ખબર છે તમને?


પાંખથી જરા ઉડી જો આભે ,
હોય છે ચરણ ખબર છે તમને?


માનવી !તરસ અહી ઈચ્છાની ,
આ અફાટ રણ ખબર છે તમને?

થાય છે વૃક્ષો ઘટાટોપ પછી ,
વાવ આજ કણ ખબર છે તમને ?

આંગણે બધા જ આવે જો તું ,
આપ રોજ ચણ ખબર છે તમને?

બાગ બાગ છે  ,બગીચા આજે
ફૂલનું પરણ ખબર છે તને?

રેખા જોશી -
 યાદમાં અવસાદ જેવું છે કશુંક ,
આંખમાં વરસાદ જેવું છે કશુંક

હોશમાં છે ?ના નશામાં આ મનુજ ,
'જામ'માં બરબાદ જેવું છે કશુંક ,

અટપટા આ લોકમાં દ્વંદો જ હોય ,
માનવીમાં વાદ જેવું છે કશુંક ,

કુદરતની લીલા જ છે ખુદા -રહીમ
લે અહી સંવાદ જેવું છે કશુંક ,

છોડ તું તારી અપેક્ષા જો પછી જ
ચોતરફ આબાદ જેવું છે કશુંક ,

તું જ તારી જાતને પૂછે જરાક ?
ભીતરે આ સાદ જેવું છે કશુંક ,

યોગમાં આવી મળી લે તું તનેજ ,
લાગશે આ 'નાદ' જેવું છે કશુંક

રેખા જોશી -

Wednesday, August 12, 2015પૃથ્વી છંદ -17 અક્ષર ,લગા -લલલગા -લગા -લલલગા -લગા -ગાલગા

ચોમાસું /

હવે વરસ તું ,નભે તરસતાં અશ્રુ આકરા ,
બધાં ટળવળે અરે!પવનથી જડી -ઝાંખરા ,
જરા ગડગડે અહીં ગગન, ને હવા નાચતી 
વહી સરકતી પંથે ,કરગરી ધરા યાચતી ,
 
મને તરસની પ્રિયે જણસ તું વર્ષા પાંપણે ,   
બહુ તડપતી રહી ,પલળવું હવે આપણે ,
ભલે ધડબડે ,ઘટા વનવને મળી સાંભળે ,
રહી તરત વીજળી ,જળહળે વળી વાદળે ,

ઘણી ઘનઘટા રહી વરસતી, ભરી આંખમાં ,
થયું મન જરી અહીં ,જળભરી લઉં પાંખમાં
લતા મરકતી અરે !જળ થકી રહી પાંગરી
બની નવવધૂ, સજી પગ મહીં નવી ઝાંઝરી
 
પંખી થરથરે ,કંપી ફરફરે જઈ ડાળમાં
થતું થનગની રહું ,ઝરમરી અહીં જાળમાં

રેખા જોશી -અમદાવાદ

Monday, August 10, 2015

હરિણી છંદ -17અક્ષર ,લ લ લ લ લ ગા -ગા ગા ગા ગા -લ ગા- લ લ ગા -લગા

નિશદિન અહીં ,આવું શાને થતું સઘળું કહે ,
સળવળ થતી ,પીડા તારી બહુ રડતી રહે ,

અગન ઝરતી ,વાણી એની બધે સરખી છળે ,
જણતર કરી ,પાપો આવા ,પછી મનડું બળે

ઘર ઘર હશે ,તારી મારી ,કથા જડશે અહીં ,
સબરસ બની ,જાવું તારે બધું મળશે નહીં ,

ચણતર હશે પાયામાં જો કહે જગમાં મને
બરછટ નહીં લાગે જોને અહી નડતું તને ,

અબરખસમા ,ખોટા આવા અરે બનશો તમે ,
ચણતર કરી સારા કામો પછી મરવું ગમે ,

વળતર  નથી  સાચું ખોટું ,ન'લે તપતી ધરા ,
બરકત બધી આપી દીધી ,નમી સમજો જરા ,

નિરતિશય છે ,લોકો એવા રહે સરખા બધે ,
વિનય કરતી ,ભાષા એની બહુ ચડતી વધે ,

-રેખા જોશી
મંદા ક્રાંતા છંદ -17અક્ષર -ગાગાગાગા -લ લ લ લ લગા -ગાલગા -ગાલગાગા

પુષ્પ /

આજે પુષ્પો મઘમઘ થયાં ,વેલ કેવી ચડી છે ,
ભીની ભીની નયનનમણી ,ઝૂલ એવી જડી છે
ભીંજાયેલું ,જળકમળ જે પોત છે આ હવાનું ,
રૂપાળું આ ,વિવિધ ઢબમાં બોલ કેવું મજાનું ,
ફેલાવી દે , ફરફર અહી બાગમાં તું લહેરો ,
શોભા દેતો ,તરબતર તે ડાળ ડાળે ચહેરો ,
કાલે પીળું ,તું વનવન થશે પાન જો ખરીને ,
આંસુ આવા ,જળ જળ વહે ઓસ બિંદુ ઝરીને ,
માળી તારો, રડમસ થતો ,ઉજડે તું જ શાને ?
આવેલું એ ,પળપળ રહી આમ તો એ જવાને ,

રેખા જોશી -
પૃથ્વી છંદ -17 અક્ષર ,લગા -લલલગા -લગા -લલલગા -લગા -ગાલગા

ચોમાસું /

હવે વરસ તું ,નભે તરસતાં અશ્રુ આકરા ,
બધાં ટળવળે અરે!પવનથી જડી -ઝાંખરા ,
જરા ગડગડે અહીં ગગન, ને હવા નાચતી 
વહી સરકતી પંથે ,કરગરી ધરા યાચતી ,
મને તરસની પ્રિયે જણસ તું વર્ષા પાંપણે ,
બહુ તડપતી રહી ,પલળવું હવે આપણે ,
ભલે ધડબડે ,ઘટા વનવને મળી સાંભળે ,
રહી તરત વીજળી ,જળહળે વળી વાદળે ,
ઘણી ઘનઘટા રહી વરસતી, ભરી આંખમાં ,
થયું મન જરી અહીં ,જળભરી લઉં પાંખમાં
લતા મરકતી અરે !જળ થકી રહી પાંગરી
બની નવવધૂ, સજી પગ મહીં નવી ઝાંઝરી
પંખી થરથરે ,કંપી ફરફરે જઈ ડાળમાં
થતું થનગની રહું ,ઝરમરી અહીં જાળમાં

રેખા જોશી -અમદાવાદ

Saturday, July 18, 2015

ગઝલ /

એક જણની સભા ભરી બેઠો ,
ખુદ આવી સજા કરી બેઠો ,

દોડતી આ  ઘડી જરા થોભે ,
સમયમાં ક્ષણો બની બેઠો ,

હું પ્રવાસી ,નથી જરા વળગણ ,
આ નયનમાં ,છતાં વસી બેઠો ,


પાનખરમાં ,હવા થકી  ડાળે ,
મૂળ સાથે અહીં ખરી બેઠો ,

ચોકમાં આ મળે ઘણા રસ્તા ,
વાટ કોની ?ખરું કહી બેઠો ,


રેખા જોશી -અમદાવાદ
ગઝલ /

સ્વપ્નોની ગઠરીને  બોલો ક્યાંથી છોડું ?
ચણતર એ પાયાનું સગપણ એવું તોડું ?


યાદોનાં છે કાંટા કેવાં ? વાગે એવાં ,
રસ્તે રસ્તે માળામાં ,હું એને જોડું?


અંજવાળે લોકોની ,અંધાપાની ભીંતો ,
જળનાં પડછાયાં ,આભાસી આવાચોડું ?


દોડાવે મૃગજળ ,અબરખ જે લાગે સોનું
કસ્તુરી જેવું , આમાંથી આપું થોડું ,

સુકાયા આંગણ જોને ,પાપણનાં આંસુ ,
ભરચોમાસે કોરું ,ચોમાસું છે મોડું ,

રેખા જોશી -અમદાવાદ

Wednesday, July 15, 2015

વતન -

ભરી ગંધ ગોબરની એ ગામડાની ગલી ,
થતું;-હાંફતા શહેર કરતાં,ઘણી યે ભલી ,
હતી  સાંકડી ખોલી ,ને જે હતી હાટડી ,
ખબર લેવા-દેવાની જાણે હતી એ કડી। .
નજર જ્યાં પડે બંધ ઘર ,લટકે તાળાં ,
તણખલું જડે ના ,વિખેરાયા માળા। ..
હવા પણ અજાણી ને લાગે પરાઈ ,
પુરાતી નથી ખાલીપાની એ ખાઈ ,
ખખડતા જીરણ પીળા પીપળને પૂછું ,
ને ભીંજાયેલ સ્હેજ લોચનિયાં લૂછું ,
ગયું ક્યાં રે ખોવાઈ એ ગામડું ક્યાં ?
કશી ઓથ લેં પડું -પડું આજ જ્યાં -ત્યાં


રેખા -જોશી


રેખા રાજુ જોશી
ડી -10 કેશવબાગ એપાર્ટમેન્ટ
શ્રેયસ ટેકરા ,આંબાવાડી ,
સ્વીટહોમ સોસાયટી સામે ,
અમદાવાદ -380015
મો ન -9426867671

Tuesday, July 14, 2015

વરસો અષાઢી,શ્યામ.
 ..              વરસો અષાઢી -શ્યામ........


બેસીને ઉભડક , આભલે જોતા ,
 વાછરૂ   જોઇને  ધણ આમ રોતા
       મેલી દીધા છે ,કામ તમામ .......વરસો


વિજ સમી આ ,   ,પડી તિરાડ્યું
 આભ આખું આ , પાણિયારે પાડ્યું
        ધરા ને તરસ્યાં છે,  આખાં ગામ...વરસો


ખાલી તળાવ  ને,  થઈઆ નદિયું
લાગે છે જાણે ,સો સો સદીયું
       નગરનાં જણ જેવાં ખાલી થયાં ઠામ...વરસોમોસમની હેલી, ગરીબનો બેલી
   આવીને વરસો, મનડું મેલી ,
 નામ તારું થશે ,જોજે બદનામ ......વરસો .        .

રેખા જોષી -

Thursday, July 9, 2015

-માં -

હ્રદયનાં ખૂણે,
 ખટકે વાત ,
તું આજે નથી હયાત........
તારો જ અંશ
,તારોજ પિંડ હું ,
જન્મો જન્મ
બનવા ચહું......માં
અંદર બહાર તને-
 સીવી લીધી ને -
આ જીન્દગી મેં
 જીવી લીધી છે....માં
તું -
મારી પળ પળ છો ,
મારું આત્મબળ છો ,
મારો પથ પ્રકાશ ,અને
માથે આકાશ પણ-
 તું જ છો  ......
મારું સમગ્ર અસ્તિત્વ ,ને -
પૂર્ણ વ્યક્તિત્વ તું જ...માં
આ પાલવની સુગંધ તું છે ,
તો મારી આંખોમાં બંધ તું જ છે ,
અને -
મારો આત્માનો અવાજ ,
મારી ખુદાની નમાજ તું...જ
શિવાલયે સવારની આરતી ,
સાંજની દીવાબત્તી પણ તું .જ
ખબર છે તને ???
'દીકરી''માંથી જન્મી છે આજ ....
એક   'માં' .......

રેખા જોશી -


હરિગીત -

મારા રામજીને ,કરી છે રાવ ,
તને મૂકીને , હવે ક્યાં જાવ ...
      તું છે પ્રભુ ,અવિનાશી
      મારે મનડું ,મથુરા કાશી
ખોદાવું હું ત્યાં વાવ......મારા રામજી

   ક્યાં માપવી  છે ,કોઈ ઉંચાઈ
   કે પછી જળની ,આ ઊંડાઈ
ઉતારું બસ મારી નાવ......મારા રામજી

     હું એક, માનવ અધૂરો ,
     રંગ તારો, આકાશી ભૂરો
તારા દ્વારે હવે તો બોલાવ...મારા રામજી

રેખા જોશી -

Wednesday, July 8, 2015

લોકગીત -

સખી મુને સાહ્યબો  સાંભર્યો ,
ઉજાગરે મેં તો પાલવ ભર્યો .....સખી

અષાઢી વાદળ આભલે જોઈ
દલડે ઉગ્યું આવી ને કોઈ -
રઢિયાળી રાતે તારલો ખર્યો.....સખી

ધીમી ધીમી રે ઝરમર પલળુ ,
સીમની શેઢે ઝટ આવી મળું
વરણાગી મારો મનથી  વર્યો .....સખી

ઓઢણીએ વ્હાલપની ભાત છે ,
કહેવી મારે નજરુંની વાત છે
કાળિયાને મેં તો કાળજે કોર્યો  ....સખી

રેખા જોશી -
એક ગીત -

હું થઇ છું રાજી ,તારા ખોળે
આવી ભાત પડી ,છે પટોળે ....
         હું થઇ છું રાજી...
..
તું રંગીલો રંગો ચીતરે ,
હૈયું મારું એવું નીતરે ,
ભીતરે ભાવ વળે છે..ટોળે ....હુથઈ છું

જોને કેવો જળનું વાદળ ,
વહેતું ઝરણું ,હું ખળખળ
આવી સપનાઓ પગ બોળે .....હું થઇ છું

હું છું તારી સવાર સુહાગી ,
તું છે વરજી ,તું વરણાગી
આવી સૂરજ પીઠી ચોળે .....હું થઇ છું

તું આથમણે ઉભો અઢેલી ,
હું છું નમણી સાંજ નવેલી ,
જળમાં કંકુ કેવું ઘોળે......હું થઇ છું

રેખા જોશી -

Tuesday, July 7, 2015

વરસાદી કાવ્ય -

તું એક વરસાદી વાદળ ,
ટપ...ટપ....
ટીપાં બની ટપકે ,
પછી ફોરા થઇ ફેલાય....,
અને મુશળધાર વરસી પડે ,
.........પછી .....
હું હેતની હેલી બની જાવ ,
મારાં મનમાં ટહુકા બની ,
    ટંકાય છે તું......
તારી વાછટથી લથબથ ,
..........   હું ........
પ્રવાહ બની તારી સાથે ,
  વહેવા લાગુ છું ,
સ્મરણ -સુગંધ -સ્વપ્ન
     લઈને
આમજ તું હોય છે.....
મારાં મોરપિચ્છ સ્વપ્નની ,
.......જણસ ......

રેખા જોશી -

Monday, July 6, 2015

એક કાવ્ય -
બસ તું -જ /

આ વસંતનું અવતરણ છે ? 
કે પછી .....તું ?
રેશમી રુહનું આવરણ તું ,
લીલી વનરાજી અને -
દૂર -દૂર ઝાકળભીનું રણ પણ તું ,
રોજ ઉગતાં રવિની જેમ -
ઉગતી આશાઓનું ઝરણ પણ તું .. જ ,
ભર્યું છે પગલું પ્રેમ પંથે -
એ પહેલી ચાહતનું ચરણ તું ...
હવેતો વિશ્વાસ જ જ્યાં બની ગયો છે શ્વાસ....
એ અંતિમ શ્રધ્ધાનું શરણ પણ તું જ ,
આ પ્રભુની પાડેલ ભાતીગળ ભાત ,
એટલેજ તું ....
તું પાંદ -પાંદ પાંગરી ,
આળસ મરડી ઉભું થયેલું વન છો ,
તારા પગરવથી રંગ બેરંગી વૃક્ષ -
અને વનવેલી -
પ્રણયફાગ ખેલે છે મનમેલી .....
કોયલ ટહુકે કુંજ મહીં -
ભ્રમર મદમસ્ત બની ઉડે અહીં -તહીં ,
ફેલાયો છે હૂંફાળો ઉજાસ -
ઢોળાયો શૃંગાર આસપાસ ,
પ્રકૃતિનો આ શણગાર અને એ પણ -
તું ....તું ....જ

રેખા જોશી

Tuesday, June 30, 2015

એક સવાર -

થઇ એક સવાર ને-
બસ ,
ચાલુ રફતાર ,
જીજ્ઞાસાની પાંખ પર
સવાર થઇ ,બાળકો ફૂલની જેમ
ઉઘડે છે ,રંગબેરંગી પતંગિયાઓને ,
સ્કુલબેગમાં ભરી સ્કુલે જાય છે ,
મુગ્ધ કોલેજ કન્યાઓ પોતાની આંખમાં ,
સ્વપ્નાઓ આંજી પોતાની મંઝીલ તરફ ,
મીટ માંડે છે તો ---
યુવાનો ઉત્સાહ અને ઉમંગભેર સફળતાના -
શિખરો પર પહોંચવા હરણફાળ ભરે છે ,
ગૃહિણીઓ ક્ષણ બેક્ષણ ઈશ્વર પાસે બેસી
માંગી લે છે સદીઓ !!!!
વૃધ્ધો પોતાનાં ભારને ઉપાડી
લાકડીના ટેકે સમય ને શ્વાસ ભરે છે ,
......તો ક્યાંક એક ગરીબ આંસુ ,
શક્યતા અને સંભાવનાની આરપાર ,
પરપોટો બની તો જાય છે પણ ??
ક્ષણમાં જ એ ......ફૂટી જાય છે
અને ભળી જાય છે .......
સમયના પ્રવાહમાં ......

-રેખા જોશી

Thursday, June 25, 2015

મૌનની દીવાલમાં આંખનો છેદ હોય છે
નીકળી આંસુ જશે આમ એ ખેદ હોય છે ,

ભીતરે ડૂમા ભર્યા હાંફતા આ હવા વગર
હ્રદયમાં સમજણ ભરી બસ એક કેદ હોય છે ,

બાવળોનાં આ શહેરો તરત શૂળ ભોકતાં ,
ફૂલનો પગરવ અહીં ,આજ તો ભેદ હોય છે

જીવવું છે માંહ્યલું  જીવતર લે હવે અહીં ,
હોય છે ઈશ્વર  ને 'માનવી 'વેદ હોય છે

આદમી ખુલે નહીં  સાથમાં જો નકાબ છે ,
હરવખત 'રેખા' અહં નો જ પ્રસ્વેદ હોય છે


-રેખા જોશી

Saturday, June 20, 2015

પાંપણે, પ્રતીક્ષા ઢાળી છે ,
ઊંઘને પાછી, મેં વાળી છે ,

આ હવા લાગે વૈંશાખી ને -
મેઘલી રાતે, મેં ખાળી છે ,

આવી તું અંજવાળે અંજવાળે
કર નવું , આ રાતો કાળી છે

'જીવવું' આ એવો 'પડછાયો '
આમ આ જાત્યું  ને પાળી છે

વાંસળી વાગે તો 'મીરાં ' છું ,
લે  હવે  કાયાને ચાળી છે,

-રેખા જોશી
હું  એક  પાંદડી  છું
આજે  હવે  જડી છું ,

પાડી જ પાનખરમાં ?
દિલ  લે  હવે  રડી છું ,

ખારા જ આમ આંસુ  ,
મૂકી  વ્યથા  લડી  છું

પૂરાઈ  હરવખત  આ ,
જો  બારણે  સડી  છું ,

તું  બોલ  ઓ  અટૂલી
પગમાં કસમ પડી છું

જંગે  ચડી  શકું  છું ,
ઘરમાં જ તું કડી છુ

-રેખા જોશી
પ્રથા હવે નથી રહી ,
પડીરહે વ્યથા સહી

જરા કહો ભલે તમે ,
અશ્રુ તણી નદી વહી

સમય નથી હવે મળું ?
અરે !આમ તરત કહી ,

ઘડી ઘડી સમજ જરા
પગે પગે પતન અહીં

સફર લગી સદા રહું ,
નદી બની નજર મહીં

રેખા જોશી

Friday, June 19, 2015

મારા અસ્તિત્વ ની ઓળખ -

હું અવતરી 'માં' ની કૂખે ,
અને તમારી વિશાળ હથેળીમાં ,
એ સ્પર્શમાં ,
કોમળ સંવેદના સાથે હતો ,
હૂંફાળો વિશ્વાસ પણ .....
જે મને એકવાર પાંખો આપશે -
અને ઉડવાને આકાશ પણ પછી -
મારી રક્તવર્ણી પગલીઓ ને -
તમેજ સ્થિર કરી ,
હું વિકસી એક વેલીની જેમ
તમારા જ ટેકાથી
બાહોશ એવા મજબૂત ખભે બેસાડી ,
દુનિયાની તમેજ સફર કરાવી ...
છતાં.....
ખબર છે મને જયારે જયારે ,
તમારી અંદર ઉદાસીના વાદળ ઘેરાયાં ,
ત્યારે ત્યારે છાનાખૂણે આવેલા આંસુ ને ,
વરસાદમાં ખપાવી ખડખડાટ હસ્યાં છો ,
મને-માત્ર લાગણીની વાછટ આપી
ભીંજવી છે, બળબળતા  સૂર્યનું આવરણ ,
થઇ માત્ર શક્તિ અને તેજરેખા આપી છે.....
આજે ,
એ વડલો ઘેઘૂર બની આજે જીર્ણ થયો છે ,
પાનખર તેને પણ અડકી છે ,અને .....
સામાન્ય પવનની થપાટે પણ
હલી જાય છે ....
ત્યારે હું વસંત બની મ્હોરી જાવ છું
તેની આસપાસ ....

-રેખા જોશી

   

Tuesday, June 16, 2015

માણસ /

આકાશમાં ડૂબી જરા સૂરજ અહીં સંતાય છે ,
રંગો બધા ફેલાયને ,રસ્તા બની સંધાય છે

ઉદાસ આ આંખો મહીં જો જો જરા માયુસ છે ,
કે આદમી આવો સફરમાં હરવખત કંતાય છે

પાષણ ની મૂર્તિ બધી ,સંસારમાં કોને ખબર ?
પડકાર છે આતો તને ,આખું જગત ટંકાય છે

સૂરો પછી સંગીત છે ,રંગીન જો આશા બધી
આવી સ્થિતિ જેમાં પછી સપના અહીં લંબાય છે

તું આમ જો 'કાયા ' કને ,ડૂમો ભરી શું પૂછતો ?
સામાન છું ઘર માં જ ,ખૂણે ખાટલો નંખાય છે


-રેખા જોશી
ગણિકા /

મુગ્ધા એ ,માદકતાની વસંતે વળી હતી
પડછાયામાં, આ ગમ ને પ્રતીક્ષા મળી હતી ,

લાલીમાં લાચારી છે ,સફરમાં વ્યથા -કથા ,
હૂંફાળા એકાદા, શ્વાસથી સળવળી હતી

માણસ ખોતરતાં ,જો નીકળે વેદના અહી ,
પોતાની ભરચક ,જોને બજારે ભળી હતી ,

પીળી પીળી આવી પાંદડી ,પાનખર કહો ,
લીલી લીલી શોભા ,બાગની તે કળી હતી

અંધારે અંધાપો આંખનો ,તે નજર મહી ,
અંજવાળે આખેઆખી જ જાતે બળી હતી .


-રેખા જોશી
 

Thursday, June 4, 2015

રોબોટ -

આભમાં ઉતારો
આ  સમળી નો ,
ગોળ ગોળ ચકરાવા લે છે ,
રાત આખી -
વર્ષથી ભીંજાય ને
માટીની સુગંધ હવામાં ફેલાય છે .
વિહંગ ને આભે જાણે ઉચક્યાં છે
ચોમેર નીરવ શાંતિ વચ્ચે મૂક સાક્ષી ,
આ વૃક્ષ એક તપસ્વી ની જેમ ઉભું છે ,
એક સુંદર બુલબુલ ક્યારનુંય તેનાં -
મૌન ને તોડવા મથી રહ્યું છે
ડાળી ડાળી પર દોડી ને ખિસકોલી ,
અંદરના આનંદ ની ઓળખ આપે છે
વરસી ને હળવા ફૂલ આ વાદળ ,
શ્વેત  વસ્ત્રધારી ..મહાત્મા ની જેમ
ફરી રહ્યા છે ,,
આ પ્રકૃતિ કેવી રસમય !!
આ સંવેદના ??
માણસ દોડે છે ,હાંફે છે ,હંફાવે છે ,
બની ગયો છે એક રોબોટ ,
-જે હાથપગ હલાવે ને ધૂણાવે ધડ !!!!

-રેખા જોશી
ચાંદની /

હું એક ચાંદની ,
જે ઘરનો ખૂણો ખૂણો  ને -
ગામની ગલી ગલી થી ,
છેક પાદર સુધી ,ને પછી ,
વિશ્વ આખાને અજવાળતી તો -
સૂરજથી આકુળ વ્યાકુળ આ ,
ધરાને મૃદુ સ્પર્શ કરી છાતી સરસી ચાંપી
શીતળતા આપતી...અને ,
અમાસે ટમટમતા તારલાઓ ને પણ ,
પ્રકાશવાનો મોકો હું આપતી ..
પ્રકાશવું બસ પ્રકાશવું એજ મારો સ્વભાવ ,,
આમ -
મારું અજવાળું લઇ ,
રેલાતી ગઈ ,
ફેલાતી ગઈ ,
પણ અચાનક એકવાર !!!!
અંધકાર છવાયો ને હું  -
પીંખાઇ
ચીરાઈ
વહેરાઈ
ચોતરફ ચિત્કાર પડઘા બની પછડાયા ને -
હું મનોમન બબડી ,ઓહ ! આતો ચન્દ્ર ગ્રહણ ..

-રેખા જોશી