Saturday, July 18, 2015

ગઝલ /

એક જણની સભા ભરી બેઠો ,
ખુદ આવી સજા કરી બેઠો ,

દોડતી આ  ઘડી જરા થોભે ,
સમયમાં ક્ષણો બની બેઠો ,

હું પ્રવાસી ,નથી જરા વળગણ ,
આ નયનમાં ,છતાં વસી બેઠો ,


પાનખરમાં ,હવા થકી  ડાળે ,
મૂળ સાથે અહીં ખરી બેઠો ,

ચોકમાં આ મળે ઘણા રસ્તા ,
વાટ કોની ?ખરું કહી બેઠો ,


રેખા જોશી -અમદાવાદ
ગઝલ /

સ્વપ્નોની ગઠરીને  બોલો ક્યાંથી છોડું ?
ચણતર એ પાયાનું સગપણ એવું તોડું ?


યાદોનાં છે કાંટા કેવાં ? વાગે એવાં ,
રસ્તે રસ્તે માળામાં ,હું એને જોડું?


અંજવાળે લોકોની ,અંધાપાની ભીંતો ,
જળનાં પડછાયાં ,આભાસી આવાચોડું ?


દોડાવે મૃગજળ ,અબરખ જે લાગે સોનું
કસ્તુરી જેવું , આમાંથી આપું થોડું ,

સુકાયા આંગણ જોને ,પાપણનાં આંસુ ,
ભરચોમાસે કોરું ,ચોમાસું છે મોડું ,

રેખા જોશી -અમદાવાદ

Wednesday, July 15, 2015

વતન -

ભરી ગંધ ગોબરની એ ગામડાની ગલી ,
થતું;-હાંફતા શહેર કરતાં,ઘણી યે ભલી ,
હતી  સાંકડી ખોલી ,ને જે હતી હાટડી ,
ખબર લેવા-દેવાની જાણે હતી એ કડી। .
નજર જ્યાં પડે બંધ ઘર ,લટકે તાળાં ,
તણખલું જડે ના ,વિખેરાયા માળા। ..
હવા પણ અજાણી ને લાગે પરાઈ ,
પુરાતી નથી ખાલીપાની એ ખાઈ ,
ખખડતા જીરણ પીળા પીપળને પૂછું ,
ને ભીંજાયેલ સ્હેજ લોચનિયાં લૂછું ,
ગયું ક્યાં રે ખોવાઈ એ ગામડું ક્યાં ?
કશી ઓથ લેં પડું -પડું આજ જ્યાં -ત્યાં


રેખા -જોશી


રેખા રાજુ જોશી
ડી -10 કેશવબાગ એપાર્ટમેન્ટ
શ્રેયસ ટેકરા ,આંબાવાડી ,
સ્વીટહોમ સોસાયટી સામે ,
અમદાવાદ -380015
મો ન -9426867671

Tuesday, July 14, 2015

વરસો અષાઢી,શ્યામ.
 ..              વરસો અષાઢી -શ્યામ........


બેસીને ઉભડક , આભલે જોતા ,
 વાછરૂ   જોઇને  ધણ આમ રોતા
       મેલી દીધા છે ,કામ તમામ .......વરસો


વિજ સમી આ ,   ,પડી તિરાડ્યું
 આભ આખું આ , પાણિયારે પાડ્યું
        ધરા ને તરસ્યાં છે,  આખાં ગામ...વરસો


ખાલી તળાવ  ને,  થઈઆ નદિયું
લાગે છે જાણે ,સો સો સદીયું
       નગરનાં જણ જેવાં ખાલી થયાં ઠામ...વરસો



મોસમની હેલી, ગરીબનો બેલી
   આવીને વરસો, મનડું મેલી ,
 નામ તારું થશે ,જોજે બદનામ ......વરસો .        



.

રેખા જોષી -

Thursday, July 9, 2015

-માં -

હ્રદયનાં ખૂણે,
 ખટકે વાત ,
તું આજે નથી હયાત........
તારો જ અંશ
,તારોજ પિંડ હું ,
જન્મો જન્મ
બનવા ચહું......માં
અંદર બહાર તને-
 સીવી લીધી ને -
આ જીન્દગી મેં
 જીવી લીધી છે....માં
તું -
મારી પળ પળ છો ,
મારું આત્મબળ છો ,
મારો પથ પ્રકાશ ,અને
માથે આકાશ પણ-
 તું જ છો  ......
મારું સમગ્ર અસ્તિત્વ ,ને -
પૂર્ણ વ્યક્તિત્વ તું જ...માં
આ પાલવની સુગંધ તું છે ,
તો મારી આંખોમાં બંધ તું જ છે ,
અને -
મારો આત્માનો અવાજ ,
મારી ખુદાની નમાજ તું...જ
શિવાલયે સવારની આરતી ,
સાંજની દીવાબત્તી પણ તું .જ
ખબર છે તને ???
'દીકરી''માંથી જન્મી છે આજ ....
એક   'માં' .......

રેખા જોશી -


હરિગીત -

મારા રામજીને ,કરી છે રાવ ,
તને મૂકીને , હવે ક્યાં જાવ ...
      તું છે પ્રભુ ,અવિનાશી
      મારે મનડું ,મથુરા કાશી
ખોદાવું હું ત્યાં વાવ......મારા રામજી

   ક્યાં માપવી  છે ,કોઈ ઉંચાઈ
   કે પછી જળની ,આ ઊંડાઈ
ઉતારું બસ મારી નાવ......મારા રામજી

     હું એક, માનવ અધૂરો ,
     રંગ તારો, આકાશી ભૂરો
તારા દ્વારે હવે તો બોલાવ...મારા રામજી

રેખા જોશી -

Wednesday, July 8, 2015

લોકગીત -

સખી મુને સાહ્યબો  સાંભર્યો ,
ઉજાગરે મેં તો પાલવ ભર્યો .....સખી

અષાઢી વાદળ આભલે જોઈ
દલડે ઉગ્યું આવી ને કોઈ -
રઢિયાળી રાતે તારલો ખર્યો.....સખી

ધીમી ધીમી રે ઝરમર પલળુ ,
સીમની શેઢે ઝટ આવી મળું
વરણાગી મારો મનથી  વર્યો .....સખી

ઓઢણીએ વ્હાલપની ભાત છે ,
કહેવી મારે નજરુંની વાત છે
કાળિયાને મેં તો કાળજે કોર્યો  ....સખી

રેખા જોશી -
એક ગીત -

હું થઇ છું રાજી ,તારા ખોળે
આવી ભાત પડી ,છે પટોળે ....
         હું થઇ છું રાજી...
..
તું રંગીલો રંગો ચીતરે ,
હૈયું મારું એવું નીતરે ,
ભીતરે ભાવ વળે છે..ટોળે ....હુથઈ છું

જોને કેવો જળનું વાદળ ,
વહેતું ઝરણું ,હું ખળખળ
આવી સપનાઓ પગ બોળે .....હું થઇ છું

હું છું તારી સવાર સુહાગી ,
તું છે વરજી ,તું વરણાગી
આવી સૂરજ પીઠી ચોળે .....હું થઇ છું

તું આથમણે ઉભો અઢેલી ,
હું છું નમણી સાંજ નવેલી ,
જળમાં કંકુ કેવું ઘોળે......હું થઇ છું

રેખા જોશી -

Tuesday, July 7, 2015

વરસાદી કાવ્ય -

તું એક વરસાદી વાદળ ,
ટપ...ટપ....
ટીપાં બની ટપકે ,
પછી ફોરા થઇ ફેલાય....,
અને મુશળધાર વરસી પડે ,
.........પછી .....
હું હેતની હેલી બની જાવ ,
મારાં મનમાં ટહુકા બની ,
    ટંકાય છે તું......
તારી વાછટથી લથબથ ,
..........   હું ........
પ્રવાહ બની તારી સાથે ,
  વહેવા લાગુ છું ,
સ્મરણ -સુગંધ -સ્વપ્ન
     લઈને
આમજ તું હોય છે.....
મારાં મોરપિચ્છ સ્વપ્નની ,
.......જણસ ......

રેખા જોશી -

Monday, July 6, 2015

એક કાવ્ય -
બસ તું -જ /

આ વસંતનું અવતરણ છે ? 
કે પછી .....તું ?
રેશમી રુહનું આવરણ તું ,
લીલી વનરાજી અને -
દૂર -દૂર ઝાકળભીનું રણ પણ તું ,
રોજ ઉગતાં રવિની જેમ -
ઉગતી આશાઓનું ઝરણ પણ તું .. જ ,
ભર્યું છે પગલું પ્રેમ પંથે -
એ પહેલી ચાહતનું ચરણ તું ...
હવેતો વિશ્વાસ જ જ્યાં બની ગયો છે શ્વાસ....
એ અંતિમ શ્રધ્ધાનું શરણ પણ તું જ ,
આ પ્રભુની પાડેલ ભાતીગળ ભાત ,
એટલેજ તું ....
તું પાંદ -પાંદ પાંગરી ,
આળસ મરડી ઉભું થયેલું વન છો ,
તારા પગરવથી રંગ બેરંગી વૃક્ષ -
અને વનવેલી -
પ્રણયફાગ ખેલે છે મનમેલી .....
કોયલ ટહુકે કુંજ મહીં -
ભ્રમર મદમસ્ત બની ઉડે અહીં -તહીં ,
ફેલાયો છે હૂંફાળો ઉજાસ -
ઢોળાયો શૃંગાર આસપાસ ,
પ્રકૃતિનો આ શણગાર અને એ પણ -
તું ....તું ....જ

રેખા જોશી