Wednesday, August 17, 2011

રે સખી મને સાહ્યબો સાંભર્યો.

લાલચોળ ઉજાગરે મેં તો પાલવ ભર્યો ,
રે સખી મને સાહ્યબો સાંભર્યો ....

આ અષાઢી વાદળ ને આભલે જોઈ ,
જોને ઉગી ગયું દલડાંમાં કોઈ ,
આ રઢિયાળી રાત નો તારલો ખર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો

ધીમી ધીમી ધારે ઝરમર પલળુ
આવી ઉતાવળી સીમ ને શેઢે મળું
માણીગર મને મન થી વર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો ..

ઓઢણીએ ચિતરાવું વ્હાલપ ની ભાત
કોને રે કહેવી આ નજરું ની વાત
કામણગારા ને મેતો કાળજે કોર્યો ,
રે સખી મને સાહ્યબો સાંભર્યો ...

હેયા ની હારે હિલોળા લે લીલુડો મોલ
ઓણ રે આવ્યા સાજન નાં બોલ
ગુલાબ નો છોડ મારે આંગણ મ્હોર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો ...

રેખા જોશી .