Saturday, April 30, 2016

મારા  હૈયાંની વાત,મારી પાંપણે અટકી,
વાલમની વાટ જોતાં,આંખ મારી મટકી,

જોને સખીરી ચાંદ કેરી પૂનમની રાતડી,
કરવી છે આંખને આંખ સાથે વાતડી,
કહું  શરમ ના શેરડે વાત મારી લટકી.....
મારા હૈયાની વાત મારી પાંપણે અટકી

હવેતો આવ છોગાળાછબીલા વાલમાં,
મારે રમવું છે તારી  થાપકેરીતાલમા
ધક ધક  ધબકયુ હૈયું ને એવી હું છટકી..
મારા હૈયાની વાત મારી પાંપણે અટકી

-
પાંપણે પ્રતીક્ષા ઢાળી છે
ઊંઘને પાછી મેં વાળી છે

આ હવા લાગે વૈશાખી ને
મેઘલી રાતે મેં ખાળી છે

એક હાથ તારો ને મારો
સાથમાં પ્રભુની તાળી છે

'જીવવું 'આ એવો પડછાયો
આમ જાત ને જો પાળી છે

વાંસળી વાગે તો મીરા છું
લે હવે કાયાને ચાળી છે 

Wednesday, April 27, 2016

પરી


એ અચાનક આવી ચડી ,
ને પતંગીયાની માફક
ફરી વળી
ઘરની દિવાલો રંગોથીભરી -
એની ચકોર નજર
ક્ષણભર અતિતમાં સરી ,
ગઈકાલની
રક્તવર્ણી પગલીઓમાં હતું
ડહાપણ નું વજન ,
બની હતીમુગ્ધા
આજે મેઘાવીની ,
મારા સ્વપ્નની હતી ,જે પરી
,ગઈહતી સાસરે ,કોમળ કોમળ
ડગભરી ......

રેખા જોશી
પડછાયો /


માણસ એક પડછાયો,
સદા સૂરજ સાથે સચવાયો,
ધીમે ધીમે મધ્યાને,
પોતે પોતાનાંમાં જ સમાયો,
ઢળતી સાંજે અંદર બહાર
આગળ પાછળ એ લંબાયો
છાયા બની ક્યારેક પથરાયો,
ને અંધારે એકલવાયો
ના એ પકડાયો ના સમજાયો
જૂઓ આ પડછાયાનો ખેલ,
કેવો? અદભૂત ખેલાયો...
આ પડછાયો......એક ....
માણસ ....જે .....
અંજવાળા નો સાથી
અંધારાનો ???
લગ્ન તિથી .


માત્ર સમયનો ,
સરવાળો જ નથી ,
આ લગ્ન -ગાળો ,
પ્રેમ ,સ્નેહ ત્યાગ ને સમજણ નાં
તણખલા થી બાંધેલો ,
તારો મારો હુંફાળો માળો .
આજે આ લગ્ન પૂરાં કરે છે ,
ત્રેવીસ સાલ છતાં.........
આ ક્ષણ હજી બની નથી ,
ગઈ કાલ ...........
ઉમેરતું જાય કોઈ વ્હાલ .
મઘમઘતી આ સુગંધ ભરી
લગ્નક્યારી,તારી ને મારી ,
સમજણ ને છે ,આભારી ....................
'હું ને 'તું' ને ક્યાય ,અવકાશ નથી
હવે બધી જ વાત સહિયારી .
કારણ ???
મોહતાજ નથી તિથી કે તારીખ
પ્રેમ જ પ્રેમ જ્યાં નખશીખ ....
અહેસાસ.

મલકાતી,ધવલ આ ચાંદનીઍ ,
પુછયું;
મંદ મંદ હવા,
નીકળી તું ક્યાં જવાં?
મેં કહ્યુ;
હોય જો ઍ પાસ,
તો બની જાય,
બધું ખાસ
પછી હોય
પૂનમ કે અમાસ?
ઍ નહીં તો,
શીતળ ષ્વેત ષ્વેત...
લાગણી ભય્રો
ઍનો અહેસાસ....
ઍ તો,
વાંસળીનાં સૂરમાં,,
ચાંદનીનાંનૂરમાં
પગની નૃપુરમાં,
બની ઊજાસ......
મારાં ઉરમાં....
લઘુકાવ્ય -


મુગ્ધ અમે ,મદહોશ
શબ્દથી ભલે ખામોશ ,
છીએ ઓતપ્રોત અંદરથી ,
અમાપ -ઊંડાણ છે એટલું
તસભાર ઓછું સમંદરથી ...?
''હું ''હવે ક્યાય નથી હવામાં ,
હોય વસંત ,પાનખર કે પછી -
બળબળતી બપોર......,
એકમેકમાં એકાકાર ,
અસ્તિત્વ જ્યાં ઓગળી ગયું ,
કરી દીધું જ્યાં અર્પણ ,
બની ગયું એ જ મારું દર્પણ

રેખા જોશી ..
વતન -

ભરી ગંધ ગોબરની,
 એ ગામડાની ગલી ,
થતું;-હાંફતા શહેર કરતાં
ઘણી યે ભલી ,
હતી  સાંકડી ખોલી
ને જે હતી હાટડી ,
ખબર લેવા-દેવાની
 જાણે હતી એ કડી। .
નજર જ્યાં પડે બંધ ઘર
,લટકે તાળાં ,
તણખલું જડે ના
વિખેરાયા માળા। ..
હવા પણ અજાણી ને
 લાગે પરાઈ ,
પુરાતી નથી
ખાલીપાની એ ખાઈ ,
ખખડતા જીરણ આ
 પીપળને પૂછું ,
-ને ભીંજાયેલ સ્હેજ લોચનિયાં લૂછું ,
ગયું ક્યાં રે ખોવાઈ
એ ગામડું ક્યાં ?
કશી ઓથ લેં પડું -પડું આજ જ્યાં -ત્યાં 
શૈશવ ની પાંખે/


ઉઘડ્યું આકાશ -
શૈશવ ને આંગણે ,
પાંપણ
એક પછી એક
સપના ગણે ,
પાંચ પાંચ પાંચીકા
આનંદ ની મૂડી ,
એક ઉછાળી ,બીજો જીલુ ને -
આભલે ભાત પાડું રૂડી  ...
લીલી -પીળી
લાલ ચટ્ટક કુકી ,
થાઉં રાજી -રાજી ,
ધૂળની ઢગલી માં મૂકી ,
સાંજ પડ્યે -
થપ્પો ને થુપ્પીસ
દોડા દોડી ને પકડા પકડી ,
થાકી હારી ને ચઢાવે રીસ !!!
અહી -તહી ગોતીએ ,
બાવળ ને બોરડી -
લઇ બોર ખાઈએ પીપળે ચડી
થાય આરતી સંધ્યા ટાણે
દોડતું મન જાણે અજાણે
કરતુ દર્શન વિસ્મય ની આંખે
આમજ-
ઉડ્યા કરીએ શૈશવ ની પાંખે ...

રેખા જોશી -
ગઝલ

આંખ છે હરણ ખબર છે તમને?
આશ છે ઝરણ ખબર છે તમને?


જીવવું પળે પળે ખુશીથી ,
આવશે મરણ ખબર છે તમને?


પાંખથી જરા ઉડી જો આભે ,
હોય છે ચરણ ખબર છે તમને?


માનવી !તરસ અહી ઈચ્છાની ,
આ અફાટ રણ ખબર છે તમને?

થાય છે વૃક્ષો ઘટાટોપ પછી ,
વાવ આજ કણ ખબર છે તમને ?

બાગ બાગ છે  ,બગીચા આજે
ફૂલનું પરણ ખબર છે તમને

રેખા જોશી -
 યાદમાં અવસાદ જેવું છે કશુંક ,
આંખમાં વરસાદ જેવું છે કશુંક

હોશમાં છે ?ના નશામાં આ મનુજ ,
'જામ'માં બરબાદ જેવું છે કશુંક ,

અટપટા આ લોકમાં દ્વંદો જ હોય ,
માનવીમાં વાદ જેવું છે કશુંક ,

કુદરતની લીલા જ છે ખુદા -રહીમ
લે અહી સંવાદ જેવું છે કશુંક ,

છોડ તું તારી અપેક્ષા જો પછી જ
ચોતરફ આબાદ જેવું છે કશુંક ,

તું જ તારી જાતને પૂછે જરાક ?
ભીતરે આ સાદ જેવું છે કશુંક ,

ખુદ તું આવી મળી લેને તનેજ ,
લાગશે આ 'નાદ' જેવું છે કશુંક

રેખા જોશી -

Thursday, April 14, 2016

ચોમાસું / રેખા જોશી

     (પૃથ્વી/ સોનેટ)


હવે વરસ તું ,નભે તરસતાં અશ્રુ આકરા ,
બધાં ટળવળે અરે!પવનથી જડી -ઝાંખરા ,
જરા ગડગડે અહીં ગગન, ને હવા નાચતી
વહી સરકતી પંથે ,કરગરી ધરા યાચતી ,
 
મને તરસની પ્રિયે જણસ તું વર્ષા પાંપણે ,  
બહુ તડપતી રહી ,પલળવું હવે આપણે ,
ભલે ધડબડે ,ઘટા વનવને મળી સાંભળે ,
રહી તરત વીજળી ,જળહળે વળી વાદળે ,

ઘણી ઘનઘટા રહી વરસતી, ભરી આંખમાં ,
થયું મન જરી અહીં ,જળભરી લઉં પાંખમાં
લતા મરકતી અરે !જળ થકી રહી પાંગરી
બની નવવધૂ, સજી પગ મહીં નવી ઝાંઝરી

પંખી થરથરે ,કંપી ફરફરે જઈ ડાળમાં
થતું થનગની રહું ,ઝરમરી અહીં જાળમાં



ડી -10 .કેશવબાગ, ફ્લેટ શ્રેયસ ટેકરા ,આંબાવાડી
             અમદાવાદ 380005 

Wednesday, April 13, 2016

વરસાદી કાવ્ય -

તું એક વરસાદી વાદળ ,
ટપ...ટપ....
ટીપાં બની ટપકે ,
પછી ફોરા થઇ ફેલાય....,
અને મુશળધાર વરસી પડે ,
.........પછી .....
હું હેતની હેલી બની જાવ ,
મારાં મનમાં ટહુકા બની ,
    ટંકાય છે તું......
તારી વાછટથી લથબથ ,
..........   હું ........
પ્રવાહ બની તારી સાથે ,
  વહેવા લાગુ છું ,
સ્મરણ -સુગંધ -સ્વપ્ન 
     લઈને 
આમજ તું હોય છે.....
મારાં મોરપિચ્છ સ્વપ્નની ,
.......જણસ ......

રેખા જોશી -
ગઝલ

કહું આમતો બે અસર છું
અને ક્ત્લથી બેખબર છું

નશામાં નથી હોશમાં છું
હવે હું અહી બે નજર છું

હજુ તો ઉગી પણ નથી ને
કહો કે અરે! પાનખર છું

કરો અવતરણ તો ખબર હો
વછૂટે અમી ,માવતર છું

ન અંદર ન બારે ખડી છું
અધૂરી જ તારી વગર છું

નથી એટલી એમ બરછટ
અરે ! મખમલી હું ડગર છું

વસે છે  વસંતો  અહીંયા
છતાં તું જ જો બેકદર છું

હિસાબો લઉં જાત સાથે
પછી જોવ કે માતબર છું ?


રેખા જોશી -

ભૃણહત્યા /


એવું જ છે
 હું ,
સતત એને ચાહું છું ,
અને - એવુંય નથી કે -
એ મારું જીવન નથી
પણ.....
ક્યાંક એ ખોવાયું છે ,
મૂંઝાયું છે ,
અટવાયું છે ,
કરમાયું છે
બસ ....રહી ગયું
 એક લાચાર બીજ બનીને
જેની આસપાસ ગેરસમજના -
વેલા વીંટળાયાં છે
અપેક્ષાઓની ડાળીઓ ફેલાઈ છે
જેમાંથી આક્રમકતાના ફણગા ફૂટ્યા છે ,
અને ચોપાસ મૂળ સાથે ઉખેડવાની -
તેયારીઓ ચાલે છે .....
ક્યાંક દબાઈ ને રહી ગયું છે એ ,
એ બીજ બહાર આવવા ઝંખે છે
હવા પાણી પ્રકાશથી અકુંરિત થવા માંગે છે
એને હું શ્વસું છું ,પ્રેમનું ખાતર આપું છું ,
પરંતુ ...ડરું છું ....કાંપું છું
ક્યાંક...ક્યાંક
કસુવાવડ ન થઇ જાય ...




રેખા જોશી -
ગઝલ -

નથી બોલવું મૌનની આ  અસર છે .
ગમે ભીતરે મન ,પરમની સફર છે .

સહજમાં બધું ચાલતું ભેદ ક્યાં છે
નયનમાં અહી એક સરખી નજર છે .

બહુ પ્રેમ છે ભાવ છે આવજે તું
કરુણા વસાવેલ એવું નગર છે .

સરસ રામનું છે રટણ ને પ્રતીક્ષા
અહી આવશે એજ રાઘવ ખબર છે .

નથી આજ અવસાદ ,જા ઓગળી જા
નરમ મીણની આગને પણ કદર છે .

કરુણા અને પ્રેમને સત્ય સમજી
હસીને લગાડું ગળે તે અફર છે .

રેખા જોશી -અમદાવાદ 
-માં -

હ્રદયનાં ખૂણે,
 ખટકે વાત ,
તું આજે નથી હયાત........
તારો જ અંશ
,તારોજ પિંડ હું ,
જન્મો જન્મ
બનવા ચહું......માં
અંદર બહાર તને-
 સીવી લીધી  ને
આ જીન્દગી મેં
 જીવી લીધી ....માં
તું -
મારી પળ પળ છો ,
મારું આત્મબળ છો ,
મારો પથ પ્રકાશ ,અને
માથે આકાશ પણ-
 તું જ છો  ......
મારું સમગ્ર અસ્તિત્વ ,ને -
પૂર્ણ વ્યક્તિત્વ તું જ...માં
આ પાલવની સુગંધ ,
 મારી આંખોમાં બંધ તું જ છે ,
અને -
મારો આત્માનો અવાજ ,
મારી ખુદાની નમાજ તું...જ
શિવાલયે સવારની આરતી ,
સાંજની દીવાબત્તી પણ તું .જ
ખબર છે તને ???
'દીકરી''માંથી જન્મી છે આજ ....
એક   'માં' .......

રેખા જોશી -
ગઝલ -



હતી હસીન પાંદડી
પછી મને હવે જડી

વખત ગયે ખબરપડી
બહાર બારણે  સડી

પ્રથા હવે નથી રહી ,
પડીરહે વ્યથા સહી

જરા કહો ભલે તમે ,
નયન મહી નદી વહી

સમય નથી હવે મળું ?
અરે !આમ તરત કહી ,

ઘડી ઘડી સમજ જરા
પગે પગે પતન અહીં

સફર લગી સદા રહું ,
નદી બની નજર મહીં

રેખા જોશી
પુષ્પ /મંદાક્રાન્તા

આજે પુષ્પો મઘમઘ થયાં ,વેલ કેવી ચડી છે ,
ભીની ભીની નયનનમણી ,ઝૂલ એવી જડી છે
ભીંજાયેલું ,જળકમળ જે પોત છે આ હવાનું ,
રૂપાળું આ ,વિવિધ ઢબમાં બોલ કેવું મજાનું ,
ફેલાવી દે , ફરફર અહી બાગમાં તું લહેરો ,
શોભા દેતો ,તરબતર તે ડાળ ડાળે ચહેરો ,
કાલે પીળું ,તું વનવન થશે પાન જો ખરીને ,
આંસુ આવા ,જળ જળ વહે ઓસ બિંદુ ઝરીને ,
માળી તારો, રડમસ થતો ,ઉજડે તું જ શાને ?
આવેલું એ ,પળપળ રહી આમ તો એ જવાને ,

રેખા જોશી -
 બસ આટલી જ વાતમાં -


રિસાઈ જશે એક જણ ,નહોતી ખબર
                 બસ આટલી જ વાતમાં .....
બની જશે સૂકુ ભઠ્ઠ, લાગણીનું રણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં .......
યુગોનો સબંધ, બની જશે પોકળ ક્ષણ નહોતી ખબર ,
                 બસ આટલી જ  વાતમાં ........
સમેટી હતી સદીઓ, થશે ભૂક્કો કણ કણ નહોતી ખબર ,
                  બસ આટલી જ વાતમાં .......
આવી ઉભું રહેશે ,  ''અહં ''નું;''પણ?''નહોતી ખબર ,
                બસ આટલી જ વાતમાં ........
દવા દુવા છતાં, થીજી જશે હૂંફાળા સ્મરણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં .....
ન અંદર ન બહાર , ઉંબરે ઉભા રહેશે ચરણ નહોતી ખબર ,
                 બસ આટલી જ વાતમાં ........
આંખે ઉગાડ્યું વન ,પણ આવશે નહી હવે ત્યાં હરણ ,
                 બસ આટલી જ વાતમાં ......



રેખા જોશી -
અમદાવાદ



સવાર-સાંજ કેવી ભાગતી,
ઉભેલાં વૃક્ષો,મકાનો વચ્ચે,
વાહનોનાં ધૂમાડાંને ઓક્તી....
સજીવ-નિર્જીવ બધાયને,
અહીં તહીં ઊપાડતી...
ક્યારેક બની દિવો ઝૂંપડીનો,
અંધારા ઍનાં ઉલેચતી.....
ઊબડ ખાબડ છતાં ઍ,
ના થાકતી, બસ રાતોની રાત,
ઍ જાગતી,બસ જાગતી....
દૂર દૂર મૃગજળ સમી,
ઍ લાગતી છતાં મનુષ્યની,
ભીતરે આશાનો દિપક પ્રગટાવતી.....
ના અટકતી,ના અટકાવતીને,
વિશ્વ આખું અજવાળતી....
આ સડક.....