Sunday, January 17, 2016

ના કરો રાવ, રોવું પડે રોઈ લે ,
ખુદ પોતેજ પીડા સહી જોઈ લે


મૂળ છે વાદળોનું ,મહી સાગરે ,
એજ ખારાશ આંસુ બની ધોઈ લે


શ્વાસ આ જો બધા આપણાં છે જ ક્યાં?
આપણું ક્યાં હતું સમજ, ને ખોઈ લે ,


આંખમાં વાગતી જીંદગી ની કણી
તો નજર આજ મારી અહી કોઈ લે

 આમ ખખડે પવન સાથમાં પાંદડું ?
આજ આ સૂરમાં ગીત હરકોઈ લે ..


રેખા જોશી -

Monday, January 11, 2016

નથી બોલવું મૌનની આ  અસર છે .
ગમે ભીતરે મન ,પરમની સફર છે .

સહજમાં બધું ચાલતું ભેદ ક્યાં છે
નયનમાં અહી એક સરખી નજર છે .

બહુ પ્રેમ છે ભાવ છે આવજે તું
કરુણા વસાવેલ એવું નગર છે .

સરસ રામનું છે રટણ ને પ્રતીક્ષા
અહી આવશે એજ રાઘવ ખબર છે .

નથી આજ અવસાદ ,જ ઓગળી જા
નરમ મીણની આગને પણ કદર છે .

કરુણા અને પ્રેમને સત્ય સમજી
હસીને લગાડું ગળે તે અફર છે .

રેખા જોશી -
રિસાઈ જશે આમ એ જણ
નહોતી ખબર આમ આવી

બની આ જશે લાગણી રણ
 નહોતી ખબર આમ આવી

સમેટી સદીઓ હશે ક્ષણ
નહોતી ખબર આમ આવી

સબંધો વિખેરાય કણ કણ
નહોતી ખબર આમ આવી

રહેશે જ ઉભું 'અહં 'પણ
નહોતી ખબર આમ આવી

હતું ઝેરનું એજ મારણ
નહોતી ખબર આમ આવી

હવેતો બતાવો જ કારણ
નહોતી ખબર આમ આવી

-રેખા જોશી

Thursday, January 7, 2016

ભાતીગળ ભૂજ


મને ગમતું આ ભાતીગળ ભૂજ
ત્યાના લોકોની વાતે વાતે રમૂજ ,

ભૂજીયાની ગોદમાં એ લપાયું ,
ધૃજી ધરતી ને નવું સ્થપાયું ,
    કચ્છની આ કલગીને નમું નમું જ ..


વગડાના વાયરે એવી તો ગૂંથણી
એના વેઢે વેઢે જાણે કલા જણી ,
     આવા ખંતીલા લોકને નમું નમું જ ..

ખારા આ પટના મીઠા છે માનવી
રણની શોભા રોજ નવી નવી
       ચમકતી ચાંદનીને નમું નમું જ ..

એના મધ્યે હમીરસર તળાવ
ખોદેલી આ ઇતિહાસી વાવ
    આથમણી સાંજને નમું નમું જ ..


ત્યાં સોહામણો આયના મહેલ
કરીએ ત્યાં પોતાને જોવાની પહેલ
    મહેલના મિનારાને નમું નમું જ ..


કાળો ડૂંગર ને સફેદી રણ છે
આવા ક્છ્ડાના ભાતીગળ જણ છે
સૂકી ધરાનાં ભીનાં આ તળ છે
વચને ખુમારી ને બાવડે બળ છે
        આવા ગરવીલા ગામને નમું નમું જ...


રેખા જોશી -