Tuesday, May 2, 2017


આંખ છે મારી હરણ કોને  ખબર
આશ છે મારી ઝરણ કોને  ખબર


જીવવું પળ પળ અહી આનંદથી

આવશે ક્યારે મરણ કોને  ખબર


માનવીને આશ હોવી એ તરસ
દુનિયા દેખાય રણ કોને  ખબર


થાય છે વૃક્ષો પછી ઘેઘૂર 'જો
વાવજે આજે જ કણ કોને ખબર


Tuesday, August 2, 2016

હું એક ભીંત -

હું એક સીધી સપાટ ભીંત
બધાજ લપસી પડે છે
.ખરબચડી બની કોઈને ચૂભતી નથી
હા !!
છિદ્રોમાં આંસુની ખારાશ પીધી છે -
પીડા લીધી છે
ને સખત બની છું ,
ધક્કા ,મુક્કા કે લાતથી હલી જાવ એવી નથી
તાપ તડકા કે વરસાદમાં પણ અડીખમ .....
અને ...
હૂંફ અને પ્રેમ માટે
આધાર અને ટેકો,
 તો-
આબરૂ માટેતો ક્ષિતિજ બની  વીંટળાઈ જ જાવ ..
વા તડ ન બની જાવ ,માટે સતર્ક એવી હું
મને ખખડાવું પણ ખરી..કારણ મને આકાશ ગમે છે....અને બાળપણ રમે છે,
મારામાં .....
 કહું !!!!
મારા ખોળે સ્મરણોને ઉછેરું
ક્યારેક હું પણ ઇતિહાસ બની જઈશ ,
અને ઉગી નીકળશે "મારાપણું "

રેખા જોશી -

Friday, July 8, 2016

છબછબ  છબછબીયાં કરીએ સહિયર
હાલ્ય હાલ્ય હૈયેં ભરીયે સહિયર

સાંબેલાની ધારે ઘોર અંધારે
આવ્યો છે વીજની ચમકતી ધારે
ટપ ટપ ટીપાં થઈ ખરીયે સહિયર ....હાલ્ય ,


એનાં અણસારે મોરલા જો નાચે
રૂદિયાની ભાષા વાલમ જો વાંચે
એમાં ઢળકતી ઢેલને ચિતરીયે સહિયર.....હાલ્ય


રેખા જોષી -

Wednesday, July 6, 2016

મારું ભારત -


ભોળા ભેરુ સૌ સાથે વસે કહું છું તમને વાત
આવી છે ભારતની જાત ...


નાના મોટા બધાય ગામે ગામ માનવતાની છાપ ,
હળી મળીને હૈયાં સીવે પૂરે દુઃખની એવી ખાંપ
ખમીરવંતી પ્રજાની દૂર દૂર દેશે થાતી આવી વાત
આવી છે ભારતની જાત ...


સાહસ કરી સીમાએ સૈનિક ..સૌને એ પડકારે
મૂકી દે માથું ''માં ''ની સામે એકજ એવા થડકારે
મારે નહીં મટકું ને રક્ષા કાજે જાગે આખી રાત
આવી છે ભારતની જાત.....


ડાળી -પાન લીલાં લહેરે મોંઘેરું મૂળ છે એનું ખેતી
આવી આવી ચારેય દિશા ઓવારણાંએના લેતી
રંગે રૂપે નોખી નોખી ભાતીગળ છે એની ભાત
આવી છે ભારતની જાત....


રેખા જોષી -અમદાવાદ


Thursday, June 23, 2016

ગઝલ -
ચાલને જાતથી પર થશું
આભથી વેંત ઉપર થશું
ફૂલ તું વાવ સુગઁધ હું
આપણે પછી સરભર થશું
ઉગતા જો કમળ તો અમે
જળ બની આમ સરવર થશું
પાન પણ જો હવાથી હલે
થડ થઈ આજ પગભર થશું
ટોચને આંબવા જાય પગ
ભૂલશું મૂળ ભરભર થશું
રેખા જોષી -
ગઝલ


બની લે હવે લાગણી રણ
રિસાઈ ગયા આપણા જણ

હવેતો બતાવોજ કારણ
સદીઓ બની કેમ આ ક્ષણ

બહુ દુઃખ થતું હોય જ્યારે
સબંધો વિખેરાય કણ કણ

બરફ ઓગળે મિત્ર ,માણસ?
અડીખમ રહે સાથ ''હું ''પણ

સમજ તું હવે જો  આ બધું
હશે પ્રેમનું આ જ મારણ



રેખા જોષી -
ગઝલ

લગાતાર હું યોગ પાછળ મરું છું
પછી રોજ હળવી બનીને  ફરું છું

તરત વશપછી આમ ત્યાગી શકું છું
અને ચિત્તમાં ભોગ તારા ધરું છું

અરે તું મજાને ભરી લે નયનમાં
કહીને બધા સોગ ખારા હરું છું

રહી છળકપટ વગર પામું પ્રભુને
થતી  વૃદ્ધિ સંજોગ પ્યારા વરુ છું


સફરમાં ઘણી આવશે લાલચો પણ
કહું જીવવા જોગ ભારા ભરું છું



રેખા જોશી –